નામચીન નિલુ સિન્ધીનો નાસતો ફરતો સાગરીત ઝડપાયો
કમલ ઉર્ફે કમુ સામે પ્રોહિબિશન અને મારામારીના ૨૧ ગુનાઓ નોંધાયા છે
વડોદરા,આજવા રોડ પરથી દારૃ ભરેલી કાર મળવાના કેસમાં નાસતા ફરતા સપ્લાયરને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જોકે, પકડાયેલા સપ્લાયરને દારૃ આપનારની શોધખોળ હજી ચાલુ છે.
બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ પર આવેલા રામદેવનગર-૨ ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કુલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ ભરેલી કાર લઇને કટિંગ માટે ઉભેલા એક શખ્સ કાર લઇને ઉભેલા સચીન ઉર્ફે સલંગ ડાહ્યાભાઇ પરમાર ( રહે. રામદેવ નગર - ૧) ને બાપોદ પોલીસે પીછો કરીને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૃ સહિત ૪.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે બૂટલેગર કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કમલ ઉર્ફે કમુ તોલાણી વારસિયા લીલાશા હોલ નજીક ઉભો છે. પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી (રહે. માધવ નગર, આજવા રોડ તથા ડી માર્ટ પાછળ ખોડિયાર નગર) ને ઝડપી પાડયો હતો. કમલ સામે મારામારી અને પ્રોહિબિશનના કુલ ૨૧ ગુનાઓ દાખલ થયા છે. કમલ વારસિયાના પ્રોહિબિશનના ગુનાઓનો ભૂતકાળ ધરાવતા નામચીન નિલુ સિન્ધીનો સાગરીત છે. નિલુ સિન્ધી પણ બે ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે.