નામચીન અસલમ બોડિયાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર

એક વર્ષથી સુનાવણી ચાલી રહી હતી : આરોપી સામે કુલ ૬૪ ગુનાઓ દાખલ થયા છે

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
નામચીન અસલમ બોડિયાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર 1 - image

વડોદરા,ગુજરાત સરકારે અમલમાં મૂકેલા આતંકવાદ અને ઓર્ગેનાઈઝડ ક્રાઇમ માટેના ખાસ કાયદાનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ વિરૃદ્ધ દાખલ થયો હતો. આ ગુનામાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની એક વર્ષથી ચાલતી જામીન અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે.

 નવાપુરા વિસ્તારના નામચીન ગુનેગાર અને ખંડણીખોર અસલમ ઉર્ફે બોડિયો હૈદરમીંયા શેખ અને તેની સાથે સંકળાયેલા બિચ્છુ ગેંંગના નામે ઓળખાતા માથાભારે સાગરીતોએ ભારે ઉપદ્રવ મચાવ્યો હતો.ખંડણી, ધાકધમકી,હુમલા તેમજ જમીન-મિલકતો પચાવી પાડવા જેવા કેસોમાં આ ગેંગની સંડોવણીની  બહાર આવી હતી.

બિચ્છુ ગેંગના સૂત્રધાર અને ખંડણીખોર અસલમ બોડિયા સામે ખંડણી, હુમલા,ધાક-ધમકી રાયોટિંગ,દારૃ-જુગાર જેવા ૬૨ ગુના નોંધાયેલા હતા.જે પૈકી છેલ્લા ૧૦ વર્ષમાં ૧૩ ગુના અતિગંભીર પ્રકારના હતા.જેથી આ  ગુનેગાર તેમજ તેના સાગરીતો સામે ગુજરાત સરકારે નવા બનાવેલા 'ગુજસીટોક' ( ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ-૨૦૧૫) હેઠળ કાર્યવાહી થઇ  હતી.

અસલમ બોડિયો છેલ્લા ત્રણ વર્ષથી ગળપાદર જેલમાં છે. તેના વિરૃદ્ધ કુલ ૬૪ ગુનાઓ દાખલ થયા છે. આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા માટે ગત તા.૭ -૧૨- ૨૦૨૨ ના રોજ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે કેસમાં ૩૧ મુદ્દત પડી હતી. ગઇકાલે અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી બિચ્છૂ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. બિચ્છૂ ગેંગ વિરૃદ્ધ ૨૦૨ ગુનાઓ દાખલ થયા છે.જેમાં ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, રાયોટિંગ, ધમકી, આર્મ્સ એક્ટના કેસ સામેલ છે.


અસલમે જેલમાં રહીને પણ બે ગુનાઓ કર્યા હતા 

  વડોદરા,આરોપી અસલમે જેલમાં ગયા પછી પણ બે ગુનાઓ આચરેલા છે. જેમાં વડોદરાની કોર્ટમાં ચાલુ કોર્ટ કાર્યવાહી દરમિયાન ધમકી આપી છે. જે અનુસંધાને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. અસલમે ગળદાપર જેલમાંથી ગુજસીટોકના સાહેદ રિક્ષા ડ્રાઇવર પાસેથી ૭૦ હજારની ખંડણી માંગી ધમકી આપી હતી. જે અંગે ડીસીબી  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.


અસલમને હાઇ સિક્યુરિટી જેલમાં ટ્રાન્સફર કરવા અરજી

વડોદરા, ગળદાપર જેલના અધિક્ષકે અસલમનો ગુનાઇત ભૂતકાળ ધ્યાને લઇ તથા જેલની શિસ્ત અને સલામતી માટે અસલમને ગળદાપર જેલથી અન્ય હાઇ સિક્યુરિટી જેલમાં ટ્રાન્સફર કરવા માટે સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં અરજી દાખલ કરી છે.


Google NewsGoogle News