જિલ્લામાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિ તાત્કાલિક બંધ કરી દેવાની સૂચના
આજવા, સિંઘરોટ, લાંછનપુરા સહિતના સ્થળે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ બંધ કરી દેવાઇ
વડોદરા, તા.19 વડોદરાના હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ મંદિર સામેના તળાવમાં ગઇકાલે સર્જાયેલી બોટ દુર્ઘટનાની કરૃણાંતિકા બાદ જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જિલ્લામાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિ બંધ કરાવી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાની કરુણાંતિકામાં ૧૨ માસૂમ બાળકો તેમજ એક શિક્ષિકા સહિત કુલ ૧૪ નિર્દોષ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. લેક ઝોન ખાતે બોટિંગ દુર્ઘટના બાદ અનેક ક્ષતિઓ બહાર આવી છે જેમાં બોટની યોગ્ય સ્થિતિ સારી ન હોવા ઉપરાંત તેમાં ક્ષમતા કરતા વધુ વ્યક્તિઓને બેસાડવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા જિલ્લામાં પણ અનેક સ્થળોએ બોટિંગ એક્ટિવિટિ ખાનગી ધોરણે ચાલી રહી છે. આ એક્ટિવિટિ પર હાલ અંકુશ મૂકવો જરૃરી હોવાથી તેમજ બોટિંગને લગતા સાધનોની તપાસણી કરવી પણ જરૃરી જણાયું છે.
ગઇકાલની ઘટના બાદ જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે આજે તુરંત જ પગલાં લેવાનું શરૃ કરી દીધું છે. આજે જિલ્લાના પોલીસવડા તેમજ તમામ એસડીએમને સૂચના આપી એક પત્ર પણ લખ્યો છે અને જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી વોટર સ્પોર્ટસને લગતી તમામ પ્રકારની પ્રવૃત્તિને બંધ કરવાના આદેશ આપતા સ્થાનિક તંત્ર એલર્ટ બની ગયું છે. વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં લાંછનપુર ખાતેના રિસોર્ટ, સિંઘરોટ ચેકડેમ ખાતે પોલીસે પહોંચીને પ્રવૃત્તિ બંધ કરાવી દીધી હતી આ ઉપરાંત આજવા ખાતે અતાપીમાં પણ જ્યાં સુધી નવી સૂચના ના આવે ત્યાં સુધી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે.
પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં પ્રોફેશનલ રીતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટ જ્યાં પણ ચાલે છે તે સ્થળે બંધ કરાવવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નદીકાંઠા વિસ્તારોમાં આજીવિકા માટે ગ્રામજનો દ્વારા બોટનો ઉપયોગ કરે છે તેમને આ સૂચનાઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.