દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે
કાયદેસરની કાર્યવાહી ટાળવા માટે
ચૂક કરવામાં આવશે તો સહકારી અધિનિયમની કલમ ૧૦૭ અને કલમ ૨૦ હેઠળ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરાશે
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ હાઉસિંગ સોસાયટીએ વાર્ષિક દફતર ઓડિટ કરાવવાનું સ્વાભાવિક રીતે ફરજિયાત છે. ત્યારે આ મુદ્દે ચૂક બદલ સહકારી અધિનિયમની કલમ ૧૦૭ અને કલમ ૨૦ હેઠળ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અધિકારી સુત્રોએ જણાવ્યું કે દફતર ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારાશે. કાયદેસરની કાર્યવાહી ટાળવા માટે સોસાયટીઓ જાગૃતિ દાખવે તે જરૃરી બનશે.
જે સોસાયટીઓ દ્વારા તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી ઓડિટ કરાવવામાં આવ્યું નથી. તેમની સાનુકૂળતા માટે આગામી કેમ્પનું આયોજન પણ કરવામાં આવી શકે છે અને તેમાં ઉપસ્થિત રહીને વૈધાનિક ઓડિટની પ્રક્રિયા પુરી કરાવી લેવા માટે નોંધાયેલી દરેક હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સવસ સોસાયટીઓને જાણ પણ કરી દેવામાં આવશે. સાથે જ કેમ્પમાં ઓડિટ માટે ઉપસ્થિત થવા પહેલા હોદ્દેદારોએ છેવટ સુધીનું દફતર તૈયાર કરી લેવા પણ જણાવી દેવામાં આવ્યુ છે. ત્યારે અમલ નહીં કરનારા પર તવાઇ ઉતરશે. આગામી તારીખ ૧લી ડિસેમ્બર સુધીમાં કચેરીનો સંપર્ક કરી લઇને હાઉસિંગ સોસાયટીના બાકી રહેલા દફતર ઓડિટ કરાવી લેવામાં ચૂક કરવામાં આવશે તો કચેરી દ્વારા બાદમાં ઓડિટ નહીં કરાવનાર હાઉસિંગ સોસાયટીઓ સામે સહકારી અધિનિયમની કલમ ૧૦૭ અને કલમ ૨૦ અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૪-૧ હેઠળ કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ માટે દફતરનું વૈધાનિક ઓડિટ કરાવવાની બાબતને સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી છે. આ જવાબદારી જે તે હાઉસિંગ સોસાયટીના હેદ્દેદારોની નિયત કરવામાં આવેલી છે.