વર્ષોથી ટેક્સ નહી ભરનાર વાહનો જપ્ત કર્યા બાદ 11 માલિકોને નોટિસ
ટેક્સની રકમ વાહનની કિંમત કરતા વધુ થઇ જતી હોવાથી
નોટિસનો જવાબ નહીં આપે તો આરટીઓ સંકુલમાં ધુળખાતા વાહનોની બેઝપ્રાઇઝના આધારે હરાજીથી નિકાલ કરી દેવાશેે
આરટીઓ દ્વારા ડ્રાઇવ ચલાવીને ટેક્સ બાકી હોય તેવા વાહનો
સામે કાર્યવાહી કરે છે. માલિકો ટેક્સ ન ભરે તો આવા વાહનો જપ્ત પણ કરી લેવામાં આવે
છે. આવી સ્થિતિમાં વારંવારની નોટિસ બાદ જપ્ત કરેલા મોટાભાગના વાહનો માલિકો દ્વારા
દંડની રકમ ભરીને છોડાવી લેવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સામાં ટેક્સની રકમ વર્ષોથી
બાકી હોય છે તે ઉપર પેનલ્ટી અને દંડની રકમ ચઢે તો તે કુલ રકમ હયાત વાહનની કિંમત
કરતા પણ વધી જતી હોય છે તેવા કિસ્સામાં માલિકો આરટીઓ પાસેથી વાહનો છોડાવતા નથી કે
દંડ પણ ભરતા નથી.
આવી સ્થિતિમાં આ જપ્ત કરેલા વાહનો ઘરજમાઇની જેમ આરટીઓમાં
પડયા રહે છે.ગાંધીનગર આરટીઓમાં લક્ઝરી બસો, ટ્રક તથા
સ્કુલવાન સહિતના ૧૧ વાહનો ધુળ ખાઇ રહ્યા છે અને આરટીઓ સંકુલની શોભા વધારી રહ્યા
છે.ત્યારે આરટીઓ તંત્ર દ્વારા આવા ૧૧ વાહનોને હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય કર્યો
છે. જે અંગે ફરીએકવાર વાહન માલિકોને નોટિસ આપવામાં આવનાર છે તેમ છતા કોઇ
પ્રતિઉત્તર નહીં આપવામાં આવે તો ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકીંગ કરીને આ તમામ વાહનોની
બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવશે અને ત્યાર બાદ તેનું શક્ય હોય તો ઇ-ઓક્શનન જ
કરવામાં આવશે.