જૂની કોઠી કચેરીની અડધી બિલ્ડિંગમાં આવેલી ઓફિસો ખાલી કરવાની સૂચના
આગથી સૌથી વધુ નુકસાન ખાસ જમીન સંપાદન, મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં ઃ એનએ અને જિલ્લા પોલીસની એસઓજી, એકાઉન્ટ બ્રાંચ ખસેડાશે
વડોદરા, તા.20 વડોદરામાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જૂની કોઠી કચેરીમાં લાગેલી વિકરાળ આગ બાદ આ ઇમારતના અડધા ભાગને ભયગ્રસ્ત જાહેર કરીને બંધ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધી આવેલી અડધી ઓફિસોમાં વીજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવ્યા છે અને ઓફિસોને ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત વર્ષના છેલ્લા દિવસે જૂની કોઠી કચેરીમાં પ્રથમ માળથી લાગેલી આગમાં નીચેનો માળ અને ઉપરનો માળ પણ લપેટાઇ ગયો હતો. આગમાં ખાસ જમીન સંપાદન ઓફિસ, મધ્યાહ્ન ભોજન યોજનાની ઓફિસમાં સૌથી વધુ નુકસાન થતાં મોટાભાગના રેકર્ડના પોટલા બળી ગયા છે. આગની અસર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એનએની ઓફિસને તેમજ બીજા માળે આવેલી જિલ્લા પોલીસની એકાઉન્ટશાખાને પણ થઇ હતી.
આગની ઘટના બાદ જૂની કોઠી કચેરીનો દક્ષિણ તરફનો સમગ્ર ભાગ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે અને ભયજનક બિલ્ડિંગના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રથમ માળ અને બીજા માળે આવેલી જિલ્લા પોલીસની કચેરીના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતા અંધારપટની સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એનએ, બીજા માળે આવેલી ખાસ જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીને કામચલાઉ ખસેડી અન્ય સ્થળે કામકાજ શરૃ કરવામાં આવ્યું છે જ્યારે બીજા માળે જિલ્લા પોલીસની એસઓજી, એકાઉન્ટ બ્રાંચને ખાલી કરવા જણાવાયું છે.
આગ લગાડવામાં આવી કે આકસ્મિક લાગી તે અંગે હજી પણ રહસ્ય છે. આ અંગે ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આગમાં થયેલા નુકસાન અંગે સર્વે કરવાની સૂચના પણ આપવામાં આવી છે.