વડોદરાના માંજલપુરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના 1200 પરિવારને મકાનો ખાલી કરવા નોટિસ
વડોદરા,તા.21 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો મકાનોની હાલત જર્જરીત થઈ ગયા હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવતા મકાનો જર્જરિત થઈ ગયાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતા દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ 1200 મકાનોને મકાનો ખાલી કરવા નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો વિમાસણમાં મુકાઈ ગયા છે.
ગુજરાતમાં હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન હોય કે પછી વુડા હોય તેઓ દ્વારા વસાહતો અને ઝૂંપડપટ્ટી તોડી પાડી લોક ભાગીદારીમાં નવેસરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવે છે. જેને કારણે અર્ધસરકારી કે સરકારી સંસ્થાઓ પોતાની માલિકીના મકાનો કે તેમની જમીન પર આવેલી ઝુપડપટ્ટી તોડીને પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધવાનું આયોજન કરે છે જેમાં ત્યાં રહેનારા લોકોને વિનામૂલ્યે મકાનોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જ્યારે બાકીની ખુલ્લી થયેલી જમીનનો લાભ બિલ્ડરને મળતો હોય છે. જેને ધ્યાનમાં રાખી રહેનારા લોકોને નોટિસો આપી મકાનો કે ઝુંપડા ખાલી કરાવવામાં આવતા હોય છે.
દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં 35 થી 40 વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડએ માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિ ધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની ત્રણ વસાહતનો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રકચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આ મકાનો સર્જરીત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી અને મકાનો જર્જરીત થઈ ગયા હોવા અંગેનો રિપોર્ટ વડોદરા કોર્પોરેશનને પણ આપીને જાણ કરી હતી. જે આધારે ગઈકાલે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ મારુતિ ધામ નિર્માણ પાર્ક અને પાર્થ ભૂમિમાં રહેતા રહેતા 1200 પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.