ખેડામાં ચારનાં શંકાસ્પદ મોત મામલે બે હોસ્પિટલને નોટિસ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ખેડામાં ચારનાં શંકાસ્પદ મોત મામલે બે હોસ્પિટલને નોટિસ 1 - image

બિલોદરા, બગડુ, વડદલા ગામમા પાંચનાં રહસ્યમય મોત : સિરપ જવાબદાર હોવાની દિશામાં તપાસ

મહેમદાવાદની વેદ અને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલને પીએમ કેમ નથી કરાયું તે અંગે આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી ઃ ફૂડ વિભાગ અને પોલીસે આર્યુર્વેદિક સિરપ મામલે કોઇ પગલાં ના લીધાના આક્ષેપો ઉઠયા 

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ  અને મહેમદાવાદ તાલુકામાં ત્રણ દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોત નિપજ્યા છે. જે પૈકી ચાર વ્યકિતનાં મોત મામલે પોસ્ટમોર્ટમ ન કરવા મુદ્દે મહેમદાવાદની વેદ અને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી છે. નોધનીય છે કે, નડિયાદ શહેર સહિત જિલ્લામાં આર્યુર્વેદિક સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે તેમ છતાં પણ પોલીસ કે ફૂડ વિભાગ યોગ્ય કાર્યવાહી ના કરતા તર્કવિતર્ક થઇ રહ્યા છે. 

નડિયાદ અને મહેમદાવાદ તાલુકાના બિલોદરા, બગડુ અને વડદલા ગામમાં દેવદિવાળીથી છેલ્લા ત્રણ દિવસમાં શંકાસ્પદ પાંચ વ્યકિતના મોત નિપજ્યા છે આ મોત માટે આર્યુવેદિક સિરપ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેને લઇ આ ત્રણ ગામોમાં રેન્જ આઇજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ધામા નાખ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાંચ પૈકી ચાર વ્યકિતના પીએમ કરવામાં આવ્યા ન હતા. જેને લઇખેડા જિલ્લા આરોગ્ય અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બિલોદરા અને બગડું બંને ગામમાં તપાસ કરવામાં આવી છે જે લોકો મૃત્યુ પામે છે તે પ્રકારના લક્ષણો વાળું અન્ય કોઈ વ્યક્તિ મળી આવ્યું નથી. મૃતકોને જે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા તે હોસ્પિટલ વેદ હોસ્પિટલ મહેમદાવાદ તથા મહાગુજરાત હોસ્પિટલ નડિયાદને નોટિસ પાઠવવામાં આવી છે જેમાં પોસ્ટમોર્ટમ કેમ નથી કરાયું તે અંગે નોટિસ ફટકારી છે. 

આ સમગ્ર ઘટના બહાર આવતા જિલ્લા પોલીસની ટીમ,અમદાવાદ ગ્રામ્ય પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સ્ટેટ મોનિટરીંગની ટીમે બિલોદરા અને બગડુ ગામમાં પહોંચી ગઈ છે. જ્યાં મૃતકોના પરીવારજનોની સઘન પૂછપરછ ચાલુ છે.આ ઉપરાંત સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરી તેની પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે નડિયાદમાં મિથાઈલ યુક્ત આયુર્વેદિક બિયર જેનું નામ મેઘા આસવ રાખી ખુલ્લેઆમ વેપાર થતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આયુર્વેદિકના નામે ચાલતી આ એકમાત્ર બિયરની બ્રાન્ડ નથી, પરંતુ નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં આયુર્વેદિકના સ્ટોલ ઊભા કરી આ પ્રકારે નશીલા પદાર્થો વેચવામાં આવી રહ્યા છે. તે વાસ્તવિકતા છે. આટલું ઓછું હોય તેમ જે જનરલ સ્ટોર ચાલતા હતા તે જનરલ સ્ટોરના નામ આયુર્વેદિક ઔષધિઓ કરી નાખી ત્યાં પણ નશાનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે. રાજ્યમાં સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. તેવા સંજોગોમાં યુવાધનને નશાના રવાડે ચડાવી ધંધો રળી લેવા અને નાણાં કમાઈ લેવા માટે અસામાજિક તત્વોએ આ નવો કિમીયો અપનાવ્યો છે.

નડિયાદમાં પકડાયેલું આ કૌભાંડ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. યોગેશ ઉર્ફે યોગી આયુર્વેદિક બિયરના નામે નોન આલ્કોહોલીકના પાટિયા મારી આ બિયર વેચી રહ્યો હતો. યુવા ધન આ પ્રકારનું કેફી પીણું પીવા માટે ટેવાઈ ગયું છે અને દારૂબંધી હોય છતાં નશો કરવા માટે જાહેરમાં જ ખુલ્લેઆમ આ પ્રકારની આયુર્વેદિક બિયરો મળતી હોય તે પી નશો કરે છે. આ આયુર્વેદિક બિયરોમાં શેનું મિશ્રણ કરી વેચવામાં આવી રહ્યું છે તે અંગે ફૂડ અને ડ્રગ્સ વિભાગ એમ ક્યારેય તપાસ કરવાની તસ્દી લીધી નથી. 

- ૧૫ દિવસ પહેલા નડિયાદના યુવકનું આ રીતે મોત થયું હતું

આ સમગ્ર મામલે બીજી સૌથી ચોંકાવનારી વિગતો એવી મળી છે કે, નડિયાદના સંત અન્ના ચોકડી વિસ્તારમાં પંદરેક દિવસ પહેલા એક મુકેશ તળપદા નામના યુવકનું મૃત્યુ થયુ હતુ. આ યુવકે પણ આર્યુવેદીક સિરફ પીધી હોવાથી અને ત્યારબાદ મુખમાંથી ફીણ નીકળી ગઈ તેને જીવ ગુમાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.તપાસકર્તા ટીમ દ્વારા આ પરીવારનો સંપર્ક કરી સત્ય હકીકતોની તપાસ કરાય તે જરૂરી છે.

- મિથાઈલ વ્યક્તિનો જીવ લઈ શકે

મિથાઈલ આલ્કોહોલ રંગહીન હોય છે અને તે તીવ્ર ગંધ ધરાવે છે.આ રસાયણ માનવ શરીર માટે એક પ્રકારનું ઝેર છે.તેની વરાળ માત્રથી આંખ, ચામડી અને ફેફસાંને નુકસાન થાય છે. જો તેનું સેવન કરવામાં આવે તો માનવીનું મૃત્યુ થઈ શકે છે.

- ગોડાઉન સિલ થતા ૫ થી ૬ ગાડીઓ ફેરવી શખ્સે વેપલો શરૂ કર્યો

યોગેશની દુકાનની પાછળ ખંડેર હાલતમાં દુકાનો આવેલી છે.આ દુકાનોને તે ગોડાઉન તરીકે ઉપયોગ કરતો હતો. જે ૨-૩ મહિના પહેલા સીલ કરી દેવાયું હતું. ત્યારબાદ યોગેશે ૪-૫ ઈક્કો ગાડીઓ અને એક બોલેરો રાખી તેમાં આ માલ ભરી ગામે-ગામ દુકાનોમાં વેચાણ અર્થે આપવાનું શરૂ કર્યું હતું. જે શ્રેણીમાં બિલોદરા અને બગડુમાં માલ પહોંચ્યો હોવાથી અને ત્યાં આ મેઘા આસવા પીતા મોત થતા મામલો ઉજાગર થયો છે.

- નડિયાદમાં એક સમયે 'નોન-આલ્કોહોલિક બિયર મળશે'ના પાટિયા માર્યા હતા

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વિગતો એ મળી છે કે, કપડવંજ રોડ પર શકમંદ આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની યોગી કોર્નર નામની દુકાન આવેલી છે.આ દુકાન પર થોડા સમય પહેલા 'નોન-આલ્કોહોલિક બિયર મળશે ના પાટિયા શખ્સ દ્વારા મારવામાં આવ્યા હતા.અહીંયાથી જ તેણે આ ઝેરી પ્રવાહી વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો. તે આ જ આર્યુવેદીક મેઘાઆસવ નામનું પીણું અહીંયા ખુલ્લેઆમ વેચતો હતો.પરંતુ તે સમયે નડિયાદ ટાઉન પોલીસ કે જવાહર ચોકીના જવાબદાર પોલીસ કર્મીઓ અને સાથો સાથ નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ક્યારેય આ પીણાં અંગે તપાસ કરી નથી અને યોગી સિંધીને બેખૌફ અને બેફામ રીતે ધંધો કરવા દીધો છે. જેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે.

- દુકાનદારોને રૂા. ૩૦ થી ૫૦નો નફો મળતો

યોગેશ સિંધી ગાડીઓમાં આ મેઘા આસવ નામનું આર્યુવેદિક સિરપ ગામડાંઓમાં અને શહેરની કેટલીક દુકાનોમાં પહોંચાડતો હતો. યોગેશ એક બોટલ દીઠ ૧૦૦ રૂપિયા દુકાનદારો પાસે લેતો હતો. દુકાનદારો આ બોટલ ૧૩૦થી ૧૫૦ રૂપિયામાં વેચાણ કરતા હતા. એટલે ૩૦ થી ૫૦ નો નફો મેળવવા દુકાનદારો વેચતા હતા.


Google NewsGoogle News