પાન કાર્ડ ખોવાઈ જતાં 'કરોડપતિ' બન્યાં ગોધરાના શિક્ષક, આવકવેરા વિભાગે ફટકારી નોટિસ
Godhra Teacher Income Tax Notice : ગોધરાની શિક્ષિકાના ગૂમ થયેલા પાનકાર્ડના આધારે જીએસટી નંબર મેળવી કરોડોના નાણાકીય વ્યવહારો કરાવાનો મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાત બહારના ભેજાબાજોએ મોટી રકમના વ્યવહારો કરતા શિક્ષિકાને 72 લાખનો ઈન્કમટેક્સ ભરવાની નોટિસ મળી છે, જેથી શિક્ષિકાનો પરિવાર ગભરાઈ ગયો છે.
અગાઉ શિક્ષિકાનું પાનકાર્ડ ગુમ થયું હતું, સાયબર માફિયાઓએ કરોડોના વ્યવહાર કર્યા
લાંબી રઝળપાટ બાદ આખરે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત બાદ હાલ ગોધરા સાયબર ક્રાઈમ સેલ દ્વારા શિક્ષિકાની અરજી તપાસ માટે લેવાઈ છે. ગોધરામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કિન્નરીબેન સોની પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
આ પણ વાંચો : હવે ગુજરાતમાં પ્રથમવાર ATM માંથી 24 કલાક નીકળશે અનાજ, આ જિલ્લાથી કરાઇ શરૂઆત
વર્ષ 2014 દરમિયાન સરકારી શાળામાં જવા ગોધરાથી કાકણપુર, અપડાઉન કરતા હતા. જે - તે સમયે તેમનું પાનકાર્ડ બસમાં પડી જતા ગૂમ થઈ ગયું. જો કે એકાદ અઠવાડિયા બાદ પરત મળી ગયુ હતું. ચારેક વર્ષ બાદ 2018માં તેમને ઈન્કમટેક્સ વિભાગમાંથી નોટિસ મળી હતી. જેમાં શિક્ષિકાએ તા.2/8/2016ના રોજ 6 લાખની લકઝરી વોચ અમદાવાદથી ખરીદી હોવા અંગે નોટિસ આપી ખુલાસો પૂછતા તેઓ એકદમ ગભરાઈ ગયા હતા. તેમણે આવી કોઈ ખરીદી કરી નથી તેવું આઈટી વિભાગને જણાવ્યુ હતું.
તેઓ પોતાનું રિટર્ન ભરવા જતા તેમના પાન કાર્ડના આધારે સાયબર માફિયાઓ દ્વારા દિલ્હીમાં જીએસટી નંબર મેળવેલ હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી ઈન્કમટેક્સ વિભાગમાંથી કિન્નરીબેનને તા.30/5/2022 ના રોજ 32 લાખનું સોનું શ્રી કોઠા વ્યંકટરાધાનમ રાજેશ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યું હોવાનું જણાવી ઈન્કમટેક્સ વિભાગે ફરીથી ખુલાસો પુછતા શિક્ષિકાની માનસિક હાલત બગડી ગઈ હતી.
મર્યાદિત આવક ધરાવતા શિક્ષિકાને 2022 બાદ તો જાણે તેઓ પોતે કરોડપતિ હોય અને કરોડોના અલગ અલગ વ્યવહાર કર્યા હોય તેમ ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. હવે 72 લાખનો ટેક્સ ભરવાનું કહેવામાં આવતા શિક્ષિકાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય તેવી સ્થિતિ છે.