નંદેસરી જીઆઈડીસીના ૨૦૦ ઉપરાંત ઉદ્યોગોને સ્ટેમ્પ ડયુટી ભરવા નોટિસો
વડોદરાઃ શહેરની નંદેસરી જીઆઈડીસીના ૨૦૦ કરતા વધારે ઉદ્યોગોને વર્ષો બાદ તંત્ર દ્વારા સ્ટેમ્પ ડયુટી ભરવા માટેની નોટિસો આપવામાં આવી છે.
નંદેસરી જીઆઈડીસી ૧૯૭૫માં અસ્તિત્વમાં આવી હતી.અહીંના ઘણા ખરા ઉદ્યોગોએ એ સમયગાળામાં જીઆઈડીસી પાસે ૯૯ વર્ષની લીઝ પર પ્લોટ લીધા હતા.તે વખતે લીઝ માટેની ટ્રાન્સફર ફી જીઆઈડીસી દ્વારા લેવામાં આવી હતી.તે સમયે મોટાભાગના ઉદ્યોગોએ સ્ટેમ્પ ડયુટી ભરી નહોતી.
નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના આગેવાન બાબુભાઈ પટેલનુ કહેવુ છે કે, વર્ષો બાદ સ્ટેમ્પ ડયુટીને લઈને જિલ્લાનુ વહિવટી તંત્ર જાગ્યુ છે.તંત્ર દ્વારા જીઆઈડીસીના તમામ ઉદ્યોગોને સ્ટેમ્પ ડયુટી માટે નોટિસો આપવામાં આવી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, જે ઉદ્યોગોએ સ્ટેમ્પ ડયુટી ના ભરી હોય તેમણે ડયુટી ભરવી પડશે અને જેમણે ડયુટી ભરી હોય તેમણે દસ્તાવેજો દર્શાવવા પડશે.નોટિસોમાં દસ્તાવેજો ના દર્શાવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
તેમના કહેવા અનુસાર ઉદ્યોગોએ જે તે સમયે બેન્કમાંથી કે બીજી કોઈ સંસ્થામાંથી પ્લોટ મોર્ગેજ કરીને લોન લીધી હોય તો તે સમયે સ્ટેમ્પ ડયુટી ભરી હશે પણ જે ઉદ્યોગોએ કોઈ જાતની લોન નહીં લીધી હોય તેમને હવે ડયુટી ભરવી પડશે.વર્ષો બાદ તંત્ર જાગ્યુ છે ત્યારે હવે ઉદ્યોગપતિઓ પણ સ્ટેમ્પ ડયુટીના કાગળિયા શોધવા હવે દોડધામ કરી રહ્યા છે અને તેમને સરકારી ઓફિસોના ધક્કા પણ ખાવા પડશે.
સાવલી જીઆઈડીસી સાથે સંકળાયેલા અન્ય એક આગેવાનનુ કહેવુ હતુ કે, અન્ય જીઆઈડીસીમાં પણ ઉદ્યોગોને આ પ્રકારની નોટિસો ફટકારવામાં આવે તેવી શક્યતા છે.જેના કારણે જે ઉદ્યોગોએ લીઝ પર પ્લોટ લેતી વખતે સ્ટેમ્પ ડયુટી નહીં ભરી હોય તેમને આજના બજાર ભાવે ડયુટી ભરવી પડી શકે છે.