નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૧ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી
વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને શિક્ષણ સમિતિના એક શિક્ષકે આરટીઆઈ હેઠળ જાણકારી માગી હતી.આ મામલામાં હવે જાણકારી પૂરી નહીં પાડવા બદલ સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ સમિતિની કચેરીમાં ફરજ બજાવતા ૧૧ કર્મચારીઓને શાસનાધિકારીએ નોટિસ ફટકારી છે.
આ કર્મચારીઓને ખુલાસો પૂછવામાં આવ્યો છે કે, જો યુઆરસી( અર્બન રિસોર્સ સેન્ટર) તથા સીઆરસી( ક્લસ્ટર રિસોર્સ સેન્ટર)નો ૨૦૨૦થી ૨૦૨૨નો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી તેવું તમારું કહેવું છે તો પછી અગાઉનો રેકોર્ડ ક્યાં છે અને કોના હસ્તક છે? તમે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે આ રેકોર્ડ તમને સોંપવામાં આવ્યો હતો?જો ના સોંપવામાં આવ્યો હોય તો પણ અગાઉના વર્ષોનો રેકોર્ડ કચેરીમાં ક્યાં છે અને તેની શોધખોળ કરવામાં આવી છે કે કેમ? તમારો (કર્મચારીઓનો) રેકોર્ડ નથી તે જવાબ કેટલા અંશે યોગ્ય છે તેની સ્પષ્ટતા કરવામાં આવે.સાથે આ રેકોર્ડ તમે કે તમારા અગાઉના કર્મચારીઓએ જાળવ્યો કેમ નથી તેની પણ સ્પષ્ટતા આધાર પૂરાવા સાથે કરવામાં આવે.
દરમિયાન જેમને નોટિસ અપાઈ છે તે કર્મચારીઓએ કહ્યું હતું કે, પ્રતિભાશાળી શિક્ષકોની પસંદગી અંગે ૨૦૨૦ થી ૨૦૨૩ની જાણકારી આરટીઆઈ હેઠળ એક શિક્ષકે માંગી હતી. તેનો જવાબ જે તે સમયે માહિતી અધિકારીએ નહીં આપતા માહિતી કમિશનરની કોર્ટે તાજેતરમાં સમિતિની ઝાટકણી કાઢી હતી.જે સીધી રીતે માહિતી અધિકારી ધવલ પટેલ અને શાસનાધિકારી શ્વેતાબેન પારગીને લાગુ પડે છે. કોર્ટે માહિતી આપવાનો આદેશ આપ્યા બાદ તેમણે અમને જે માહિતી અમારા સમયની નથી તે શોધવા અને જવાબ તૈયાર કરવા દબાણ કર્યું હતું અને આ વાત અમેે નહીં સ્વીકારતા તેમણે અમને નોટીસ આપી છે અને તેઓ પોતાનો બચાવ કરી રહ્યા છે.ઉપરાંત પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીની તમામ માહિતી બંધ કવરમાં જિલ્લા કચેરીએ જમા કરાવવાની હોય છે અને ગુપ્તતા જાળવવા તેની કોપી રાખવાની હોતી નથી.આમ છતા મને નોટિસ આપવાનુ પગલું અન્યાયી છે.