Get The App

વરદાયિની માતાજીના પલ્લીના રૃટમાં જર્જરિત ૧૫ ખાનગી મકાન ઉતારી લેવા નોટિસ ફટકારાઇ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
વરદાયિની માતાજીના પલ્લીના રૃટમાં જર્જરિત ૧૫ ખાનગી મકાન ઉતારી લેવા નોટિસ ફટકારાઇ 1 - image


રૃપાલમાં જાનહાની રોકવા તંત્રની અગમચેતી

હૈયે હૈયું દળાય તેવો માનવ મહેરામણ ઉમટતો હોવાથી સુરક્ષાની બાબતે જરૃરી તમામ પગલા લેવા અધિકારીઓને આદેશ અપાયો

ગાંધીનગર :  વરદાયિની માતાજીના પલ્લીના મેળાથી જગવિખ્યાત બનેલા ગાંધીનગરના રૃપાલ ગામે તંત્ર દ્વારા મેળા સંબંધે તડામાર તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. હૈયે હૈયું દળાય તેવો માનવ મહેરામણ ઉમટતો હોવાથી સુરક્ષાની બાબતે જરૃરી તમામ પગલા લેવા અધિકારીઓને આદેશ અપાયો છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા મહોત્સવ પ્રસંગ દરમિયાન જાનહાની રોકવા અગમચેતીરૃપે પલ્લીના રૃટમાં આવતાં જર્જરિત ૧૫ ખાનગી મકાન ઉતારી લેવા નોટિસ અપાઇ છે.

પલ્લીના મેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોવાથી તેના આયોજન સંબંધમાં પ્રતિ વર્ષે ખુબ બારીકાઇથી દરેક બાબતને જોવામાં આવતી હોય છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતના તંત્રના અધિકારીઓ દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉભી કરવાથી લઇને સુરક્ષાના મુદ્દા ચકાસવામાં આવતા હોય છે. ત્યારે રૃપાલ ગામમાં જે રૃટ પરથી પલ્લી પસાર કરવામાં આવે છે. તેવા તમામ માર્ગ પર વિવિધ પ્રકારે સુરક્ષાની બાબતોની ચકાસણી કરવામાં આવે છે.

 જાહેર જનતાને પણ તંત્ર દ્વારા ચેતવણી આપી દેવાઇ

સુરક્ષાની વાતે આ રૃટમાં આવતા ૧૫ જર્જરિત મકાનો પણ અવરોધ બને તેમ હોવાનું જાણવા મળ્યાના પગલે રૃપાલ ગ્રામ પંચાયત દ્વારા આ તમામ મકાનો હટાવી લેવા તેના માલિકોને નોટિસ અપાઇ છે. સાથે જ મકાનો પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને તેમાં પણ જણાવાયું છે, કે આ મકાન જર્જરિત હોવાથી કોઇપણ વ્યક્તિએ તેની નજીક જવું નહીં તથા અગાસી, બાલ્કની, કે છજા અથવા ઝરૃખા ઉપર ઉભા રહેવું નહીં. આમ જાહેર જનતાને પણ સાવચેત કરવામાં આવી છે.


Google NewsGoogle News