પોલીસનો ૧૦૦ નંબર ના લાગ્યો અને BSNL ઓફિસમાં ઘૂસેલા ચોરો ફરાર
મંજુસર જીઆઇડીસીમાં આવેલા ચોરોને મોકળું મેદાન ઃ ટેકનોલોજીથી ચોરીની જાણ થઇ પરંતુ પોલીસ મદદ ન કરી શકી
વડોદરા, તા.14 જિલ્લા પોલીસ કન્ટ્રોલરૃમનો ૧૦૦ નંબર નહી લાગતાં મંજુસર જીઆઇડીસી ખાતે આવેલી બીએસએનએલની ઓફિસમાં ઘૂસેલા ચોરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં.
મંજુસર જીઆઇડીસીમાં આવેલી બીએસએનએલની ઓફિસમાં જૂનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત લાલમળી ઉપાધ્યાયે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧ના રોજ હું ઓફિસે ગયો ત્યારે ઓફિસની મેઇન બિલ્ડિંગમાં કાચની બારીનું એક સાઇડનું સિમેન્ટનું પ્લાસ્ટર તૂટેલું જણાયું હતું અને બારીનો કાચ નીચે મૂકેલો હતો. બાદમાં તપાસ કરતાં જનરેટર રૃમનું તાળું તૂટેલું અને અંદરથી જનરેટરની બેટરી, કોપર પાવર કેબલ, હોલવાળા રૃમમાંથી એક બેટરી અને ઉપરના માળે સ્વીચ રૃમમાંથી ઇન્વર્ટરનો પાવર કેબલ, સીપીયુ અને મોનિટરની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
આ અંગે મેં એજીએમને જાણ કરી હતી. ત્યારબાદ તા.૪ના રોજ એજીએમે રાત્રે મને ફોન કરી જણાવેલ કે ઓફિસના મોશન ડિટેક્ટરના કેમેરામાં કોઇ વ્યક્તિ રાત્રે હલનચલન કરે તો મારા મોબાઇલમાં એલાર્મ વાગે છે અને હાલ એલાર્મ વાગી રહ્યું છે ફરીથી કોઇ ચોરી કરવા ઘૂસ્યું છે તમે પોલીસને જાણ કરો. આ વખતે મેં પોલીસને ૧૦૦ નંબર પર ફોન કરતાં ફોન લાગ્યો ન હતો જેથી રાત્રે જ હું ઘેરથી નીકળી ઓફિસે આવેલ ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું અને એમડીએફ રૃમનો કેમેરો કાઢી ચોરી થયો હતો. સવારે મેં ઓફિસમાં આવી સીસીટીવી જોતાં એક અજાણ્યો શખ્સ રાત્રે મેઇન દરવાજો કૂદીને અંદર આવેલ તેના હાથમાં હથિયાર જેવું સાધન હતું અને ૨૦ મિનિટ બાદ તે બહાર નીકળતો જણાયો હતો. અમારી ઓફિસમાંથી કુલ રૃા.૧.૪૦ લાખની ચોરી થઇ હતી.