વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૃઆત
ઉમેદવારોએ ફોર્મ ભરવા હવે દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરી જવું પડશે ઃ તા.૧૯ સુધી ફોર્મ ભરાશે
વડોદરા, તા.11 વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે કાલે જાહેરનામાની પ્રસિધ્ધિ સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૃઆત થશે.
લોકસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત ચૂંટણી અધિકારી વડોદરા સંસદીય મતદાર વિભાગ અને કલેકટર વડોદરાને, રૃમ નંબર-૧, પ્રથમ માળ, એ-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર (જમીન સુધારણા), વડોદરાને, રૃમ નંબર-૨૦, પ્રથમ માળ, બી-બ્લોક, નવી કલેકટર કચેરી, દિવાળીપુરા, વડોદરા ખાતે મોડામાં મોડું તા.૧૯મી એપ્રિલ,૨૦૨૪ સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસો સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પહોંચાડી શકશે. ઉમેદવારી માટેના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
ફોર્મની ચકાસણી કલેક્ટર ઓફિસમાં તેમની રૃબરું તા.૨૦મીના રોજ સવારના ૧૧ વાગ્યે હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારના ફોર્મ મંજૂર થયા હોય તે પૈકી કોઇ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માંગતો હોય તો તા.૨૨ બપોરના ત્રણ વાગ્યા સુધી પરત ખેંચી શકશે. ત્યારબાદ તા.૭મી મેના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે.