કોમર્સમાં ટીવાયની પરીક્ષાના બે દિવસ પછી પણ વિજિલન્સ સ્ક્વોડની એન્ટ્રી પડી નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયબીકોમની પરીક્ષા શરુ થયે બે દિવસ થઈ ગયા છે પણ હજી સુધી પરીક્ષામાં ચેકિંગ માટે વિજિલન્સ સ્કવોડની એન્ટ્રી પડી નથી.જેના કારણે કાપલીબાજ વિદ્યાર્થીઓને લીલા લહેર થઈ જાય તેવી શક્યતા છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીના તમામ બિલ્ડિંગો ઉપરાંત આર્ટસ, ટેકનોલોજી, સાયન્સ, અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં આ પરીક્ષા લેવાઈ રહી છે અને તેમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.આજે પરીક્ષાનો બીજો દિવસ હતો પણ આશ્ચર્યની વાત એ છે કે, પરીક્ષામાં ચેકિંગ કરવા માટે હજી સુધી વિજિલન્સ સ્ક્વોડના સભ્યો જોવા મળ્યા નથી.જેના કારણે ઠોઠ નિશાળિયા જેવા કાપલીબાજ વિદ્યાર્થીઓને મોકળુ મેદાન મળી શકે છે.
એક વિદ્યાર્થી નેતાનુ કહેવુ હતુ કે, પરીક્ષામાં સુપરવાઈઝર તરીકે અન્ય ફેકલ્ટીના પણ અધ્યાપકોને મુકવામાં આવ્યા છે અને આ પૈકીના મોટા ભાગના હંગામી અધ્યાપકો છે.સ્ક્વોડે આ પરીક્ષામાં ચેકિંગ કરવુ જોઈએ.ભૂતકાળમાં પણ સ્કવોડ ચેકિંગ કરવા ના આવી હોય તેવુ બની ચુકયુ છે.
બીજી તરફ કોમર્સ ફેકલ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે પણ કહ્યુ હતુ કે, બે દિવસમાં સ્કવોડ દ્વારા ચેકિંગ થયુ હોય તેવુ મારા ધ્યાનમાં આવ્યુ નથી.આ બાબતે હું વધુ તપાસ કરીશ.ઉલ્લેખનીય છે કે, કોમર્સમાં ટીવાયની પરીક્ષા બાદ એસવાયની એન્ડ સેમેસ્ટર પરીક્ષા ૨૦ ડિસેમ્બરથી શરુ થવા જઈ રહી છે અને આ પરીક્ષામાં પણ ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના હોવાથી ફેકલ્ટી સત્તાધીશોએ અન્ય ફેકલ્ટીઓના બિલ્ડિંગ મેળવવા માટે અત્યારથી જ દોડધામ શરુ કરી દીધી છે.