આર્ટસમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે એક પણ બેઠક અનામત ના રખાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બાદ હવે આર્ટસ ફેકલ્ટીમાં પણ પ્રવેશને લઈને ભારે વિવાદ સર્જાયો છે.આર્ટસ ફેકલ્ટી સત્તાધીશોએ પ્રવેશ માટેની બેઠકોમાં વડોદરાના વિદ્યાર્થીઓની સંપૂર્ણપણે બાદબાકી કરી દીધી છે.
વડોદરાના વિદ્યાર્થીઓ માટે આર્ટસ ફેકલ્ટીમાં એક પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.બીજી તરફ ગત વર્ષ સુધી આર્ટસ ફેકલ્ટીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતા હતા તેમને પ્રવેશ આપવામાં આવતો હતો.આ વખતે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ ૧૫૦૦ બેઠકો પર જ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.એટલે હિન્દી અને ફિલોસોફી જેવા વિભાગોમાં પણ પહેલી પ્રવેશ યાદીમાં મેરિટ ઉંચુ ગયુ છે અને વડોદરાના વિદ્યાર્થીઓ માટે એક પણ બેઠક અનામત નથી.
સાથે સાથે સત્તાધીશોએ પ્રવેશ યાદી બનાવવામાં પણ છબરડા વાળ્યા છે.મળતી વિગતો પ્રમાણે પહેલી પ્રવેશ યાદીમાં સત્તાધીશો દિવ્યાંગ, પ્રજ્ઞાાચક્ષુ અને સંરક્ષણ દળો માટે અનામત રહેતી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનુ જ ભૂલી ગયા છે.ઉપરાંત એસસી માટે સાત ટકા બેઠકો અનામત રહેતી હોય છે.તેની જગ્યાએ ૭.૫ ટકા બેઠકો પર પ્રવેશ અપાયો છે.ઉપરાંત એસટી કેટેગરીની ખાલી બેઠકો પર પહેલા જ રાઉન્ડમાં અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે.પહેલી પ્રવેશ યાદી જીકાસ પોર્ટલ પર મૂકી દેવાયા બાદ, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જાણ કરી દેવાયા બાદ હવે ૧૦ દિવસ બાદ સત્તાધીશોને છબરડાનુ ભાન પડતા રાતોરાત અગાઉની યાદી હટાવીને નવી યાદી મૂકવામાં આવી છે.