MSU હેડ ઓફિસમાં ફેકલ્ટીઓના અધ્યાપકો અને કર્મચારીઓને વાહન સાથે નો એન્ટ્રી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હેડ ઓફિસ માટે બનાવાયેલી પાર્કિગની નીતિ પર સવાલો ઉઠયા છે.કારણકે હેડ ઓફિસની અંદર કમ્પાઉન્ડમાં ફેકલ્ટીઓના અધ્યાપકો અને કર્મચારીઓને વાહનો પાર્ક કરવાની પરવાનગી નથી.જેને લઈને અધ્યાપકો અને કર્મચારીઓમાં ભારે અસંતોષ છે પણ સત્તાધીશોના એક હથ્થુ શાસન સામે બોલવાની કોઈની હિંમત નથી.
યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાહનો મુકવા માટે નવી પાર્કિંગ નીતિ અમલમાં મુકાઈ છે.જેના ભાગરુપે હેડ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ઓફિસની અંદર વાહનો પાર્ક કરવા માટે સિક્યુરિટી દ્વારા પાસ ઈસ્યૂ કરવામાં આવ્યા છે.જ્યારે વિવિધ ફેકલ્ટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો અને કર્મચારીઓને જો હેડ ઓફિસ ખાતે કોઈ કામ હોય તો તેમણે વાહન હેડ ઓફિસના કમ્પાઉન્ડની બહાર પાર્ક કરીને અંદર જવાનુ હોય છે.કારણકે હેડ ઓફિસના પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા માટે ફેકલ્ટી સ્તરે માત્ર ડીન અને હેડને જ પાસ અપાયા છે.જેમની પાસે પાસ છે તેમણે પણ રોજે રોજ સિક્યુરિટીને પાસ બતાવવા પડે છે અને પછી જ વાહન સાથે અંદર એન્ટ્રી મળે છે.
એક તરફ હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં વાહનો પાર્ક કરવા માટે વિશાળ જગ્યા છે અને બીજી તરફ હેડ ઓફિસની બહાર વાહનો અને ખાસ કરીને ફોર વ્હીવર પાર્ક કરવાની તકલીફ પડતી હોય છે.અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, માત્ર પોતાના અહમને પોષવા માટે અને વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સત્તાધીશોએ સિક્યુરિટી પાસે આ પ્રકારની પાર્કિંગ નીતિ બનાવી છે.અગાઉના વાઈસ ચાન્સેલરોના શાસનકાળમાં ક્યારેય પાર્કિંગ માટે આ પ્રકારના પ્રતિબંધો મુકાયા નહોતા.
અત્યારે તો એવી સ્થિતિ છે કે, યુનિવર્સિટીમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને ગમે તે યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર બનવાની લાયકાત ધરાવતા વરિષ્ઠ પ્રોફેસરો પણ પોતાના વાહનો હેડ ઓફિસની બહાર વાહનો પાર્ક કરીને ચાલતા અંદર જાય છે.