મહોરમ પર્વને અનુલક્ષીને નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર
૧૭ મી તારીખે બપોરે ૧૨ વાગ્યાથી જાહેરનામાનો અમલ શરૃ
વડોદરા,મહોરમ પર્વને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેનો અમલ ૧૭ મી તારીખે બપોરે ૧૨ વાગ્યાથી શરૃ થશે.
આવતીકાલે તા. ૧૬ મી એ કતલની રાત ે ઇશાની નમાજ પછી તાજીયા જુલુસ નિયત રૃટ પર નીકળનારા છે. ત્યારબાદ જુલુસ પરત ફરી ઇમામવાડામાં આવશે. ત્યારબાદ બીજે દિવસે ૧૭ મી તારીખે બપોરની નમાજ પછી તાજીયાનું જુલુસ નિયત રૃટ પરથી નીકળી સરસીયા તળાવ, બારે ઇમામ મસ્જીદ તથા જે - તે સ્થળે ધાર્મિક વિધિ કરી ઠંડા કરવામાં આવશે. તેને અનુલક્ષીને પાણીગેટ દરવાજાથી માંડવી સુધીના રોડ પર બંને તરફ, ચોખંડી ચાર રસ્તાથી માંડવી તરફ, લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ સલાટવાડાથી નાગરવાડા ભૂંતડીઝાંપા, પાંજરીગર મહોલ્લો થઇ ફતેપુરા ચાર રસ્તા તથા અડાણીયા પુલથી ઠેકરનાથ સ્મશાન સુધીના માર્ગ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. તેમજ આ રૃટ પર આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કતલની રાતે નીકળનારા જુલુસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પણ વાહનો માટે નિયત રૃટ પર નો એન્ટ્રી અમલમાં રહેશે.