ગ્રાન્ટેડ સ્કૂલોની ઉપેક્ષા, નિભાવ ગ્રાન્ટ અને ફીમાં સાત વર્ષથી કોઈ વધારો નથી થયો
વડોદરાઃ સરકારે ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપવાની અને ગ્રાન્ટેડ સ્કૂલોની ઉપેક્ષા કરવાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો છાશવારે થતા હોય છે.ગરીબ તેમજ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરુપ ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવતા સંચાલકોનુ કહેવુ છે કે, ખાનગી સ્કૂલોને દર વર્ષે અમુક ટકાનો ફી વધારો કરવાની મંજૂરી આપનાર સરકારના શિક્ષણ વિભાગે છેલ્લા ૬ વર્ષથી સ્કૂલોને મળતી નિભાવ ગ્રાંટમાં કે વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીમાં એક પણ રુપિયાનો વધારો કર્યો નથી.
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર સી પટેલનુ કહેવુ છે કે, વડોદરા શહેર જિલ્લામાં ૨૨૦ જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો છે.ગ્રાન્ટેડ સ્કૂલો જો સરકાર પાસેથી નિભાવ ગ્રાન્ટ એટલે કે સ્કૂલની જાળવણી કરવાની ગ્રાન્ટ લેતી હોય તો તે વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ શકે નહીં.આવી સ્કૂલોને સરકાર વર્ગોની સંખ્યાના આધારે વર્ગ દીઠ ૩૦૦૦ રુપિયાથી માંડીને ૧૬૫૦ રુપિયા વાર્ષિક ગ્રાન્ટ આપે છે.સ્કૂલ જો ફી લેતી હોય તો તે નિભાવ ગ્રાન્ટ ના લઈ શકે.આવી સ્કૂલોને દર મહિને વિદ્યાર્થીઓ પાસેથી ૬૦ રુપિયાથી માંડીને ૯૫ રુપિયા ફી લેવાની છૂટ અપાઈ છે.ેમનુ કહેવુ છે કે, ૨૦૧૭ બાદ સરકારે નિભાવ ગ્રાન્ટ કે ફીની મર્યાદામાં વધારો નથી કર્યો.દર વર્ષે મોંઘવારી વધી રહી છે ત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોને સ્કૂલો ચલાવવી અને વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવી મુશ્કેલ બની રહી છે.સરકારે પોતાના કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થામાં ૨૦૧૭ બાદ અત્યાર સુધીમાં ૪૫ ટકા વધારો કર્યો છે ત્યારે સરકારે કમસેકમ મોંઘવારી ભથ્થા પ્રમાણે તો સ્કૂલોની ગ્રાન્ટમાં વધારો કરવો જોઈએ અને વિદ્યાર્થીઓની ફીમાં પણ આટલો વધારો કરવા માટે પરવાનગી આપવી જોઈએ.
વિદ્યાર્થીઓની ફી (મહિને)
ધો.૯માં ૬૦ રુપિયા
ધો.૧૦માં ૭૦રુપિયા
ધો.૧૧માં ૮૦ રુપિયા
ધો.૧૨માં ૯૫ રુપિયા
પ્રયોગશાળા માટે ધો.૧૧માં મહિને ૬૫ રુપિયા અને ધો.૧૨માં ૮૦ રુપિયા ફી લેવાય છે.
હાલમાં સ્કૂલોને મળતી ગ્રાન્ટ
જે સ્કૂલોમાં ૧ થી પાંચ વર્ગ હોય તેને વર્ગ દીઠ વાર્ષિક નિભાવ ગ્રાન્ટ ૩૦૦૦ રુપિયા મળે
જે સ્કૂલોમાં ૬ થી ૩૦ વર્ગ હોય તેને વર્ગ દીઠ વાર્ષિક ૨૫૦૦ રુપિયા નિભાવ ગ્રાન્ટ
૩૦થી વધારે વર્ગ હોય તેવી સ્કૂલને વર્ગ દીઠ વાર્ષિક ૧૬૫૦ રુપિયા નિભાવ ગ્રાન્ટ