MS યુનિવર્સિટી વધારાના 1400 વિદ્યાર્થીઓને ક્યારે અને કેવી રીતે આપશે એડમિશન? જાહેરાતના 4 દિવસ બાદ પણ કોઇ ગાઇનલાઇન નહી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
MS યુનિવર્સિટી વધારાના 1400 વિદ્યાર્થીઓને ક્યારે અને કેવી રીતે આપશે એડમિશન? જાહેરાતના 4 દિવસ બાદ પણ કોઇ ગાઇનલાઇન નહી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધો.12 પાસ કરનાર વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી અને આંદોલન વચ્ચે વાઈસ ચાન્સેલરે  મંગળવારે વડોદરાના વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી.

આ 1400 વિદ્યાર્થીઓને ક્યારે અને કેવી રીતે પ્રવેશ અપાશે તેની ગાઈડલાઈન વાઈસ ચાન્સેલરની જાહેરાતના ચાર દિવસ પછી પણ જાહેર કરવામાં આવી નથી.બીજી તરફ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોનુ કહેવુ છે કે, તા.25 સુધી તો પહેલા રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો છે તેવા જ વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવશે.એ પછી ખાલી પડેલી બેઠકો જીકાસ( ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ)ને મોકલવામાં આવશે.ત્યાર બાદ ખાલી પડેલી બેઠકો પર જીકાસની સૂચના પ્રમાણે પ્રવેશ અપાશે.તેની સાથે વડોદરાના વધારાના 1400 વિદ્યાર્થીઓનુ મેરિટ બનાવવાની કાર્યવાહી થશે.આ યાદી પણ જીકાસને મોકલાશે.

કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે કહ્યુ હતુ કે, જીકાસ દ્વારા આ  1400 વિદ્યાર્થીઓને ઓફર લેટર આપવામાં આવશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે.વધારાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે જીકાસના સત્તાધીશો સાથે ચર્ચા થઈ છે કે કેમ તે અંગે ફેકલ્ટી ડીને કહ્યુ હતુ કે, આ મારો વિષય નથી.આ મુદ્દે માત્ર વાઈસ ચાન્સેલર જ કહી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ફાઈટ ઓફ એમએસયુ ગુ્રપ કહી રહ્યુ છે કે સાંસદ અને ધારાસભ્યોએ  વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી છે.સાંસદે વડોદરાના વિદ્યાર્થીઓને ધીરજ રાખવાની અપીલ કરી છે અને બીજી તરફ  તમામ વિદ્યાર્થીઓની વાત તો બાજુ પર રહી જે 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત થઈ છે તેમને પણ કયારે અને કેવી રીતે પ્રવેશ મળશે તે અંગે હજી પણ અનિશ્ચિતતા છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ હવે કોના પર ભરોસો કરવો તેવો સવાલ કરી  રહ્યા છે.

એક જૂથ આંદોલન ચાલુ રાખશે, આજે કમાટીબાગમાં બેઠક 

સાંસદ અને ધારાસભ્યોની ખાતરીને આગળ ધરીને ફાઈટ ફોર એમએસયુ ગુ્રપે આંદોલન બંધ કરવાની જાહેરાત કરી છે પણ અન્ય એક જૂથ  દ્વારા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.જેના ભાગરુપે શુક્રવારે સાંજે કેટલાક લોકો કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ભેગા થયા હતા.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે તા.23 જૂન, રવિવારે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સવારે 10 વાગ્યે ભેગા થવાનુ નક્કી કર્યુ છે.આ જૂથનુ માનવુ છે કે, જ્યાં સુધી સત્તાધીશો લેખિતમાં ખાતરી ના આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જરુર છે.

સત્તાધીશો વાલીઓને રાહ જોવડાવવાની રમત રમી રહ્યા છે 

જાણકારોનુ માનવુ છે કે, વડોદરાના વાલીઓને પ્રવેશના નામે રાહ જોવડાવવાની રમત સત્તાધીશો રમી રહ્યા છે.એક તો વાઈસ ચાન્સેલર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગતા નથી.બીજી તરફ વધારાની ૧૪૦૦ બેઠકો પર પણ પ્રવેશ માટે કોઈ કાર્યક્રમ બહાર નહીં પાડીને અનિશ્ચતતાનો માહોલ સર્જવામાં આવી રહ્યો છે.જેથી પ્રવેશથી વંચિત વાલીઓ કંટાળીને પોતાના સંતાનો માટે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરી લે અથવા બહારગામ પ્રવેશ મેળવી લે અને સરવાળે 5800 બેઠકો પર જ  પ્રવેશ આપવાની વાઈસ ચાન્સેલરની જીદ પૂરી થાય.

પ્રવેશ યાદીમાં દર્શાવાયેલા બિલ્ડિંગ ફી ભર્યા બાદ બદલાઈ જતા હોબાળો

કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં પણ આજે હોબાળો મચ્યો હતો.વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને આક્ષેપ કર્યો હતો કે, પ્રવેશ યાદીમાં વિદ્યાર્થીઓને જે બિલ્ડિંગો ફાળવવામાં આવ્યા હતા તે બિલ્ડિંગો ફી ભર્યા બાદ બદલી નાંખવામાં આવ્યા છે.જે વિદ્યાર્થીઓને યુનિટ અને મેઈન બિલ્ડિંગની ફાળવણી થઈ હોય તેમને ફી ભર્યા બાદ પાદરા કોલેજ આપવામાં આવી હોવાનુ પણ સામે આવ્યુ છે.સત્તાધીશો તેના માટે રોસ્ટરનુ કારણ આગળ ધરી રહ્યા છે.


Google NewsGoogle News