આર્ટસ ફેકલ્ટીની મુખ્ય ઈમારતમાં એક પણ ફાયર ઈક્વિપમેન્ટ નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ફાયર સેફટીના નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આર્ટસ ફેકલ્ટીની મુખ્ય ઈમારતનુ તાજેતરમાં બે કરોડ રુપિયા કરતા વધારે ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યુ છે.હજી પણ કેટલુક રિનોવેશન ચાલી રહ્યુ છે.કરોડો રુપિયા ખર્ચ્યા પછી પણ સત્તાધીશોએ ફેકલ્ટીની મુખ્ય ઈમારતમાં આગ લાગે તો તે બૂઝાવવા માટેના ફાયર એક્સ્ટિંગ્યુશર મુક્યા નથી.આગનુ છમકલુ થાય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ફાયર બ્રિગેડની રાહ જોવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.ફાયર બ્રિગેડના ધારાધોરણો પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટીનુ પાલન કરવુ જરુરી હોય છે ત્યારે આર્ટસ ફેકલ્ટીની મુખ્ય ઈમારતમાં એક પણ નિયમનુ પાલન થયુ હોય તેવુ લાગતુ નથી.
ઉલ્લેખનીય છે કે , ફેકલ્ટીના ભાષા ભવનમાં પણ તાજેતરમાં એક્સપાયરી ડેટના ફાયર ઈક્વિપમેન્ટ જોવા મળ્યા હતા.બીજી તરફ યુનિવર્સિટીના પીઆરઓનુ કહેવુ છે કે, સમારકામના કારણે મુખ્ય ઈમારતના ફાયર ઈક્વિપમેન્ટ કાઢી લેવાયા હશે તેવુ લાગે છે.જે બહુ જલ્દી ફરી મુકવામાં આવશે.ભાષા ભવનમાં પણ ફાયર એસ્ક્ટિંગ્યુશર બદલી નાખવામાં આવ્યા છે.