એક્સપ્રેસ હાઇવે પર વાહનને ટોઇંગની સુવિદ્યા બંધ કરી દેવાઇ
અકસ્માતગ્રસ્ત અથવા બ્રેકડાઉન વાહનને માલિક અથવા ચાલકે જાતે પોતાના ખર્ચે દૂર કરવાનું રહેશે ઃ હાઇવે ઓથોરિટિ માત્ર બેરિકેડ મૂકી દેશે
વડોદરા, તા.22 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર બ્રેકડાઉન અથવા અકસ્માત થયેલા વાહનો માટે ટોઇંગ કરવાની મફત સુવિદ્યા નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા આપવામાં આવતી હતી તે સુવિદ્યા બંધ કરી દેવામાં આવી છે અને હવે વાહન ટોઇંગ કરવાની જવાબદારી જે-તે વાહનમાલિક અથવા ચાલક પર ઠોકી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહનચાલકોની સુવિદ્યા માટે એક હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર જો કોઇ વાહનચાલક ફરિયાદ કરે તો તેનું વાહન નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા ટોઇંગ કરીને ટોલનાકા સુધી લાવવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે દિવસથી નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા વાહનચાલકોની આ સુવિદ્યા પર બ્રેક મારી દેવામાં આવી છે. મોટી રકમનો ટોલ ઉઘરાવવા છતાં હવે આવા વાહનોની જવાબદારી જે-તે વાહનમાલિક અથવા ચાલકની રહેશે તેમ જાણવા મળ્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટિની સૂચના મુજબ હવે વાહનને એક્સપ્રેસ હાઇવે પરથી ટોઇંગ કરવામાં નહી આવે પરંતુ સેફ્ટી બેરિકેડ મૂકી દેવામાં આવશે અને બાદમાં પ્રાઇવેટ ક્રેઇન બોલાવીને વાહનને બહાર કાઢવાની જવાબદારી જે તે વાહનચાલકની રહેશે. નેશનલ હાઇવે ઓથોરિટિના આ આકસ્મિક નિર્ણયના કારણે વાહનચાલકોને આંચકો લાગ્યો છે. કોઇ વાહનને અકસ્માત થાય તો તે વાહનને હાઇવે ઓથોરિટિનું વાહન પોતાની ક્રેનથી સાઇડ પર કરી દઇ બેરિકેડ લગાવી દેશે તેમ જાણવા મળ્યું છે.
એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ વાહન તેમજ એમ્બ્યૂલન્સની સેવા યથાવત રાખવામાં આવી છે પરંતુ બ્રેકડાઉન અથવા અકસ્માતગ્રસ્ત વાહનો માટે અપાતી ટોઇંગની સુવિદ્યા આંચકી લેવામાં આવી છે. હવે જો કોઇ વાહન લાંબો સમય સુધી એક્સપ્રેસ હાઇવે પર જ પડી રહે અને માલિક અથવા ચાલક તેને સ્થળ પરથી ના હટાવે તો બીજો અકસ્માત થવાનો ભય રહે તેમ છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અત્યારસુધી આ સુવિદ્યા અપાતી હતી પરંતુ હવે તેના પર બ્રેક મારી દેવામાં આવેલ છે.