નવરાત્રિ દરમિયાન ભારદારી વાહનો માટે રાતના બે વાગ્યા સુધી નો એન્ટ્રી
તા. ૩ થી ૧૨ દરમિયાન આ જાહેરનામુ અમલમાં રહેશે
વડોદરા,આગામી ૩ જી તારીખથી શરૃ થનાર નવરાત્રિ મહોત્સવને ધ્યાને લઇ પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનો માટે વધુ સમયની પાબંદી લગાવતું જાહેરનામુ બહાર પાડયું છે.
આગામી ૩ થી ૧૦ ઓક્ટોબર સુધી શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થવાની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ જામવાની હોઇ મોડી રાત સુધી શહેરના માર્ગો વાહનોથી ધમધમતા રહેશે. અકસ્માત ના થાય તેના કારણે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ભારદારી વાહનોની નો એન્ટ્રીનો સમય વધારી દેવામાં આવ્યો છે. હાલમાં સવારના ૭ થી બપોરના એક તથા સાંજના ૪ થી રાતના ૯ વાગ્યા સુધી ભારદારી વાહનો માટે પ્રવેશ બંધી છે. નવરાત્રિ દરમિયાન સાંજના સમયની પ્રવેશ બંધી સાંજના ૪ થી મોડીરાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. આ પ્રવેશ બંધી તા. ૩ થી તા. ૧૨ સુધી અમલમાં રહેશે.