વડોદરાના ગરનાળા કોર્પોરેશન માટે માથાના દુખાવા સમાન : પાણીના નિકાલની વ્યવસ્થા નથી
image : Filephoto
Vadodara News : વડોદરા શહેરમાં પાલિકા દ્વારા પ્રતિવર્ષ લાખો રૂપિયાનો ખર્ચ પ્રિ-મોનસૂન કામગીરી પાછળ કરવા છતાં આજે પણ સામાન્ય વરસાદ વરસતા નીચાણવાળા નિયત સ્થળોએ પાણીનો ભરાવો યથાવત રહેતા શાસકોની કામગીરી સવાલોના ઘેરામાં આવે છે. તેમાય રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો થતા ટ્રાફિક અસરગ્રસ્ત બનવા સાથે નગરજનોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. પ્રાથમિક સુવિધા માટે પાલિકાને સમયસર વેરાની ભરપાઈ કરતા નગરજનોને આ દુવિધાથી ક્યારે મુક્તિ મળશે તેવું ચોક્કસ આયોજન નજરે ચડી રહ્યું નથી. ખરેખર, આવા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે નક્કર આયોજન હાથ ધરવું જરૂરી છે.
વડોદરા શહેરમાં પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં નિયત સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થાય છે. વડોદરા મહાનગરપાલિકા પ્રતિ વર્ષ પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો ઉપયોગ થઈ શકે તે માટે તેમજ જમીનમાં પાણીનું સ્તર વધે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે પરકોલેટિંગ વેલ સિસ્ટમ તથા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કામગીરી કરી હતી. તેમ છતાં આજે પણ સરદાર એસ્ટેટ, કારેલીબાગ, ગેંડા સર્કલ, વાઘોડિયા રોડ, નાગરવાડા સહિતના મોટાભાગના સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થતા સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવે છે. ઘણી વખત આ પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન પણ થાય છે. વહીવટી અને ચૂંટાયેલી પાખ ચોમાસાની ઋતુ પહેલા પ્રિમોન્સૂન કામગીરીના બણગા ફૂકે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા પરિસ્થિતિ યથાવત રહે છે. તેમાંય ખાસ કરીને પ્રિય લક્ષ્મી મિલ, અલકાપુરી, બાજવા, છાણી, દિનેશ મિલ સહિતના અંડર પાસમાં પ્રતિ વર્ષ વરસાદી પાણીનો ભરાવો થતા રાહદારી અને વાહન ચાલકોને ટ્રાફિકની પરેશાની ભોગવવાની સાથે લાંબો ચકરાવો ખાવાનો વખત આવે છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણીના ભરાવા સાથે ચક્કાજામ થઈ જતા લોકોની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. અને વરસાદની શરૂઆત થતા જ ગંતવ્ય સ્થળે પહોંચવાની ચિંતા સતાવે છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચોમાસા દરમિયાન 18 અંડરપાસમાંથી પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપ મૂકવાનું આયોજન કર્યું છે. તેમજ જુદા-જુદા વિસ્તારોમાં આવેલા 19 અન્ડરપાસમાં CCTV કેમેરા, ઓટોમેટિક લેવલ સેન્સર અને બૂમ બેરિયર લગાવવામાં આવ્યા છે. જેનું ઓનલાઇન મોનિટરિંગ કરવામાં આવે છે. જેના પરિણામે અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સાથે જ ઓટોમેટિક દરવાજા બંધ થઈ જશે અને તેના પરિણામે અન્ડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીમાં વાહનચાલકોને ફસાઈ જવું પડશે નહીં.