વડોદરામાં ખંડેરાવ માર્કેટની આસપાસ ફરી એકવાર ફૂલોના પથારા હટાવવાની કાર્યવાહી છતાં પરિસ્થિતિ "જેસે થે"
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસ ટ્રાફિક અને વાહન વ્યવહારને અડચણરૂપ ફુલના ગેરકાયદે પથારા હટાવવાની કામગીરી ફરી એકવાર કરવામાં આવી હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા આશરે 300 કી.ગ્રા. ફૂલનો જથ્થો જપ્ત કરીને માર્કેટ શાખામાં જમા કરાવ્યો હતો. જ્યારે બીજી બાજુ હરણી એરપોર્ટ થી સરદાર એસ્ટેટ સુધીના રસ્તાની બંને બાજુએ થયેલા હંગામી દબાણો પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે તરફ જાહેર રોડ પર અને આંતરિક રસ્તાઓ ઉપર લારી ગલ્લા પથારાવાળાઓના દબાણો ઠેર-ઠેર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર નાના મોટા અકસ્માતો પણ આવા દબાણોના કારણે સર્જાયા કરે છે. પરિણામે નાની મોટી તકરારો પણ થતી રહે છે.
દરમિયાન ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક અને વાહન વ્યવહારને નડતરરૂપ દબાણ કરીને ફૂલના ઢગલા રોડ રસ્તા ઉપર કરાય છે ફુલવાળા આવી રીતે રોજિંદો વેપાર ધંધો કરતા હોય છે આ અંગે પાલિકા તંત્ર દ્વારા વારંવાર સૂચના અને કડક કાર્યવાહી કરવા છતાં ફુલવાળાઓમાં કોઈ સુધારો થતો નથી.
પાલિકા તંત્ર દ્વારા દબાણ શાખાની ટીમે આજે માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી રોડ રસ્તા પર અડચણરૂપ દબાણ કરીને ફૂલના ઢગલા કરીને વેપાર ધંધો કરતા હતા ત્યારે વહેલી સવારે દબાણ શાખાની ટીમે અંદાજિત 200 કી. ગ્રા. જેટલો ફૂલનો જથ્થો જપ્ત કરીને માર્કેટ શાખામાં જમા કરાવ્યો હતો.
આ ઉપરાંત પાલિકાની દબાણ શાખાની ટીમે હરણી એરપોર્ટ થી સરદાર એસ્ટેટ સુધીના બંને બાજુના રોડ રસ્તા પર થયેલા હંગામી લારી ગલ્લા, નર્સરી અને પથારાવાળાના દબાણો દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરાયા હતા.