MSU: ત્રીજાથી ચોથા વર્ષમાં પ્રવેશ માટે તમામ વિષયોમાં પાસ થવું જરુરી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓના ભારે ઉહાપોહ બાદ નવી શિક્ષણ નીતિના ભાગરુપે બનાવેલા નિયમોમાં ફેરફાર કર્યા છે.
સત્તાધીશોએ નવેસરથી કરેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે વિવિધ ફેકલ્ટીના ચાર વર્ષના ઓનર્સ પ્રોગ્રામમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાંથી બીજા વર્ષમાં જવા માટે અને બીજા વર્ષમાંથી ત્રીજા વર્ષમાં જવા માટે દર વર્ષે ૪૪ ક્રેડિટમાંથી ૧૬ ક્રેડિટ મેળવવાની રહેશે.બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વિદ્યાર્થીઓ કેટલાક વિષયોમાં નાપાસ હશે તો પણ બીજા કે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી શકશે.
જોકે સત્તાધીશોએ તેની સાથે સાથે અન્ય એક નિયમ પણ લાગુ કર્યો છે અને તે પ્રમાણે ચોથા વર્ષમાં અભ્યાસ કરતા પહેલા વિદ્યાર્થીઓએ અગાઉ જેટલા પણ વિષયમાં નાપાસ હશે તેમાં પાસ થવુ પડશે.આમ ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને એટીકેટીનો વિકલ્પ નહીં મળે.ત્રણ વર્ષ દરમિયાન તમામ વિષયોમાં પાસ વિદ્યાર્થીઓ જ ચોથા વર્ષમાં જઈ શકશે.
નવી નીતિ પ્રમાણે સેમેસ્ટર એન્ડ પરીક્ષા પ૦ માર્કની હશે.જ્યારે બાકીના ૫૦ માર્ક ઈન્ટરનલ પરીક્ષા, એસાઈનમેન્ટ, હાજરી, કેસ સ્ટડીઝ અને પ્રેઝન્ટેશનના હશે.પાસ થવા માટે ૧૦૦માંથી ૩૬ તથા ૫૦ માર્કની પરીક્ષા હોય તો ૧૮ માર્ક જરુરી બનશે.
યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓ માટે એકેડમિક એડવાઈઝરની સુવિધા આપવાની, મેન્ટરશિપ પ્રોગ્રામ શરુ કરવાની અને કેરિયર કાઉન્સિલિંગની પણ જાહેરાત કરી છે.જોકે આ જાહેરાતોનો હજી સુધી અમલ કરાયો નથી.