વડોદરામાં નિઝામપુરા સીટી બસ સ્ટેશન તૈયાર થઈને પડી રહ્યું છે, હજુ શરૂ કરાયું નથી
- વચ્ચે બે ત્રણ દિવસ બસ સ્ટેશનથી બસોની ટ્રાયલ લેવામાં આવી હતી
- તંત્ર વિધિવત ઉદ્ઘાટનની પ્રતીક્ષા કરી રહ્યું છે
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકોને સીટી બસ દ્વારા એક છેડેથી બીજે છેડે જવા જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવા કામગીરી હાથ ધરેલી છે. તેમાં રેલ્વે સ્ટેશન સામે જન મહેલમાં સિટી બસનું મુખ્ય સ્ટેશન બનાવ્યા બાદ શહેરમાં બીજા ચાર સ્થળે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાં નિઝામપુરા એસટી ડેપો પાછળ સિટી બસ સ્ટેશન તૈયાર થઈને પડી રહ્યું છે, પરંતુ હજી સુધી તે શરૂ કરવામાં આવ્યું નથી. વચ્ચે બે ત્રણ દિવસ સીટી બસ સ્ટેશન ચાલુ કરીને ટ્રાયલ લેવામાં આવી હતી. બસની એન્ટ્રી અને એક્ઝિટમાં શું તકલીફ પડે છે અને શું સુધારો થઈ શકે છે તે પણ જોવામાં આવ્યું હતું. જો કે કોર્પોરેશનનું તંત્ર નિઝામપુરા બસ સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરવાની રાહ જોઈ રહ્યું છે. જો આ બસ સ્ટેશન જલ્દી ચાલુ થાય તો મુસાફરોને સુવિધા મળી રહે, કારણ કે હાલ લોકો બહાર સૈનિક છાત્રાલય પાસે ઊભા રહે છે. નિઝામપુરા બસ સ્ટેશન ચાલુ કરવામાં આવે તો છાણી, બાજવા, રણોલી, સમા, ફૂલવાડી, વગેરે તરફની સીટી બસો અહીંથી આવજા કરી શકે. નિઝામપુરા સિવાય તંત્ર શહેરમાં બીજા ત્રણેક સ્થળે આવા સ્ટેશન બનાવવા માંગે છે. બીજી બાજુ વડોદરાને ઈ-હબ બનાવવા 100 ઈલેક્ટ્રીક બસ પણ આવવાની છે. તેના માટેના ચાર્જિંગ સ્ટેશનોની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરામાં હાલ સિટી બસના 61 રૂટ છે. જેના પર રોજ 135 બસ દોડી રહી છે અને પ્રતિદિન એક લાખ મુસાફરની હેરફેર થઈ રહી છે. સીટી બસના સંચાલક પાસે 150 બસ છે, જેમાંથી 130 સીએનજી અને 20 એસી બસ છે. અગાઉ બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા બાદ છ મહિને રીન્યુ કરવામાં આવે છે. 100 ઈલેક્ટ્રીક બસ તમામ એકસાથે નહીં આવે. બધી બસ આવતા વાર લાગશે. લોકોને જાહેર પરિવહન માટે સીએનજી બસનો જ સહારો લેવો પડશે તેમ લાગે છે. શહેરમાં 2009 થી 2018 સુધી ડબલ ડેકર ત્રણ બસ પણ દોડતી હતી પરંતુ બ્રિજના કામ ચાલુ થતા અને બીજા વાયરીંગ અને કેબલની કામગીરીને લીધે ડબલ ડેકર બસ બંધ કરી દેવાઈ હતી. ડબલ ડેકર બસના મોડેલ હવે 15 વર્ષ જૂના થયા છે, એટલે તે હવે ચાલી શકે તેમ નથી અને આ ત્રણ બસ હાલ પડી રહી છે.