વડોદરા નજીક વાઘોડિયામાં દીપડાથી પશુઓને બચાવવા ગ્રામજનોનો રાત્રી પહેરો
વડોદરાઃ વડોદરા નજીકના વાઘોડિયા તાલુકામાં દીપડાના ભયને કારણે ગ્રામજનોએ ખેતરો અને સીમમાં રાત્રે જાગરણ કરવાનું શરૃ કર્યું છે.
વાઘોડિયા તાલુકામાં દેવનદીના કાંઠા વિસ્તારના ગામોમાં દીપડો વારંવાર ત્રાટકી રહ્યો છે.થોડા સમય પહેલાં સાંગાડોલ ગામે પાંચ દિવસમાં એક જ પશુપાલકની આઠ માસના વાછરડા અને ચાર વર્ષની વાછરડીના દીપડાએ મારણ કરવાનો બનાવ બન્યા બાદ ગ્રામજનો ચિંતાતુર બન્યા છે.
હાલ કેટલાંક સમયથી વાઘોડિયાના નદી કિનારાના ગામોમાં દીપડો ત્રાટકીને પશુનું મારણ કરતો હોવાના બનાવો બની રહ્યા હતા.જે દરમિયાન વ્યારા ગામે એક દીપડાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.જેના પૂંછડી અને પગ કપાયેલા હતા.
દીપડો રાત્રિ દરમિયાન જ ખેતરોમાં બાંધેલા પશુઓનો શિકાર કરતો હોવાથી ફોરેસ્ટ વિભાગે પાંજરા પણ મુક્યા હતા.પરંતુ દીપડો તેમાં પકડાતો નથી.જેથી ચિંતાતુર બનેલા ગ્રામજનોએ પશુઓને બચાવવા માટે હવે રાત્રિના સમયે ખેતરો અને સીમમાં પોતે જ જાગરણ શરૃ કર્યું છે.પશુપાલકો કહી રહ્યા છે કે જ્યાં સુધી દીપડો પાંજરે નહિં પુરાય ત્યાં સુધી અમારા પશુઓનું અમારે જ રક્ષણ કરવું પડશે.