કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવવા મામલે NIAના દેશવ્યાપી દરોડા, વડોદરામાં એકની ધરપકડ
NIA Raid in Vadodara : કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીએ દેશ વ્યાપી દરોડા પાડ્યા હતા જેમાં વડોદરામાંથી સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુ.ઈ.એસ.ની ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કંબોડિયામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં NIA ની અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખવાના બહાર આવેલા કિસ્સાને ધ્યાનમાં રાખી દેશ વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરા ની સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પલેક્ષમાં યુનિક એમ્પ્લોય સર્વિસ ના નામથી ચાલતી ઓફિસમાં વડોદરાની ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈને દરોડા પાડવામાં આવ્યા હતા.
આજે સવારે એનઆઈએની ટીમ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પલેક્ષમાં આવેલી યુએસ ની ઓફિસમાં દરોડા દરમિયાન વિદેશ નોકરી આપવાની લાલચ અંગેની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી.
આ પૂછપરછ માં દિબાશું શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી રૂપિયા દોઢ લાખની રકમ પડાવી હતી અને તેમને પહેલા વેયેટનામ મોકલવામાં આવ્યા અને ત્યાંથી કંબોડિયા ખાતે નોકરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ કંબોડિયામાં છેલ્લા 35 દિવસથી તેઓને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી છે.
કંબોડિયામાં બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સાને ધ્યાનમાં રાખી NIA અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મનીષ હિંગું નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.