ભાયલી ગેંગરેપ કેસની આવતા સપ્તાહે ચાર્જશીટ રજૂ કરાશે
કોર્ટમાં કેસ માટે ખાસ વકીલની નિયુક્તિ માટે પ્રયત્નો હાથ ધરાયા
વડોદરા, તા.9 વડોદરા નજીક ભાયલીમાં ચકચારભર્યા ગેંગરેપના કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરવા પર જિલ્લા પોલીસનું ધ્યાન કેન્દ્રિત છે. આવતા સપ્તાહે તપાસ અધિકારી દ્વારા પાંચેય નરાધમો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન જ વડોદરા શહેરની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખી છે. આ ઘટનામાં પોલીસે પાંચેય નરાધમોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા બાદ મેડિકલ, રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ સહિત ફોરેન્સિક પુરાવા માટે પણ સેમ્પલો લઇ તેની તપાસ માટે મોકલી દેવાયા છે.
પોલીસનું માનવું છે કે ઓળખ પરેડ દરમિયાન પાંચેય નરાધમોને વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડે ઓળખી બતાવ્યા છે આ ઉપરાંત અનેક પુરાવાઓ કેસને પુરવાર કરવામાં મદદ કરી શકે તેમ છે જેમાં ગેંગરેપ બાદ ત્રણેએ સાથે મળીને સ્મોકિંગ કર્યું હોવાના સીસીટીવી કેમેરા પણ મળ્યા છે. ગેંગરેપની તપાસની સાથે સાથે જ ચાર્જશીટની પણ તૈયારીઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે રેન્જ આઇજી દ્વારા આ અંગે એક સીટની રચના પણ કરવામાં આવી છે જે તપાસમાં તેમજ પુરાવા એકત્ર કરવા અને ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા માટે મદદરૃપ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગલા સપ્તાહમાં પાંચેય નરાધમો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. આ કેસ માટે સુરતના ખાસ વકીલની નિમણૂંક થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમજ ચાર્જશીટ બાદ ડે ટુ ડે કેસ કોર્ટમાં ચાલે તેવી વિનંતી કરાશે જેથી કેસનો નિકાલ ઝડપથી આવી શકે.