ઈનોવેશનની નવી લહેર ગુજરાત જેવા રાજ્યોના નાના શહેરોમાંથી ઉઠશે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ઈનોવેશનની  નવી લહેર ગુજરાત જેવા રાજ્યોના નાના શહેરોમાંથી  ઉઠશે 1 - image

વડોદરાઃ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપતી  એનજીઓ ટાઈ( ધ ઈન્ડસ એન્ટરપ્રિનિયર્સ)દ્વારા આજે વડોદરામાં યોજાયેલા અધિવેશનમાં કેન્દ્ર સરકારના ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતુ.અધિવેશનમાં ૧૮૦ સ્ટાર્ટ અપ ફાઉન્ડર્સ , સ્ટાર્ટ અપ શરુ કરવા માંગતા ૩૯ સાહસિકો હાજર રહ્યા હતા.

તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા તરફ અભૂતપૂર્વ ઝોક જોવા મળે છે.સમગ્ર ભારતમાં વ્યાપારિક જોખમ લેવામાં, સાહસિકતામાં અને આર્થિક વિકાસમાં ગુજરાતનો જોટો જડે તેમ નથી.ગુજરાતે સેમિ કન્ડકટરમાં રોકાણ કરવાની તક અન્ય કોઈ રાજ્ય કરતા પહેલા ઝડપી લીધી છે.ગુજરાતમાં ે ઈનોવેશન માટેની ઈકોસિસ્ટમના પ્રચાર પ્રસારની અઢળક તકો રહેલી છે.

તેમણે કહ્યુ  હતુ કે, ગુજરાત અત્યારે ટેકનોલોજીના નકશા પર આગવુ સ્થાન મેળવી ચુકયુ છે.ઈનોવેશનની નવી લહેર ગુજરાત જેવા રાજ્યોના નાના શહેરોમાંથી ઉઠશે.આજે ભારતના લોકો દરેક ક્ષેત્રમાં પોતાનો પગ જમાવી રહ્યા છે.ભારત હવે મેન્યુફેકચરિંગથી માંડીને સેમિ કન્ડકટર દરેક સેકટરમાં સારો દેખાવ કરવા માટે સક્ષમ છે.અગાઉની સરકારો દેશની ક્ષમતાને ઓળખવામાં અને તેને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ ગઈ હતી.જ્યારે પીએમ મોદીની સરકારે દેશના યુવાઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.

રાજીવ ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, ભારત ડિજિટલ ક્રાંતિનુ સાક્ષી બની રહ્યુ છે.૨૦૧૪માં  ભારતની અર્થવ્યવસ્થામાં ડિજિટલ ઈકોનોમીનુ યોગદાન ૪ ટકા હતુ.જે હવે ૧૧ ટકા છેે.૨૨ વર્ષ પહેલા ઘડવામાં આવેલા પ્રાચીન આઈટી એકટને હટાવીને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ લાવવામાં આવ્યુ છે.જે ટુંક સમયમાં કાયદો બનશે.જેનાથી દરેક નાગરિક અને નાના ઉદ્યોગોના અધિકારોનુ રક્ષણ થશે.૨૦૧૪માં દેશમા ૮૨ ટકા મોબાઈલ ફોન આયાત કરાતા હતા.આજે ભારતમાં ૧૦૦ ટકા મોબાઈલનુ ઉત્પાદન થાય છે.૩૦ રાજ્યો પાસે પોતાની સ્ટાર્ટ અપ પોલિસી છે અને જેમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.


Google NewsGoogle News