ઓનલાઇન ઠગોની નવી તરકીબ,VGLના લોગો વાળા મેસેજ મોકલી ગેસ કનેક્શન કાપવાની ધમકી
જો ગેસ સપ્લાય ચાલુ રાખવો હોય તો લિન્ક પર ક્લિક કરી તાત્કાલિક પેમેન્ટ કરી દેવા કહે છે
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા જુદી જુદી તરકીબ અજમાવીને લોકો પાસે નાણાં ખંખંરી લેવામાં આવતા હોવાના બનાવો બની રહ્યા છે,ત્યારે હવે ઓનલાઇન ઠગોએ વડોદરા ગેસ લિ.ના લોગો સાથેના મેસેજો મોકલી ગેસ કનેક્શન કટ કરવાની ધમકી આપીને લિન્ક પર ક્લિક કરાવી નાણાં પડાવી લેવાનો કારસો રચાયો હોવાના કિસ્સા બની રહ્યા છે.
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા ઘેર બેઠા કમાવવાના નામે,ટાસ્ક આપી ડિપોઝિટ ભરાવાના નામે,ઇન્સ્ટન્ટ લોન આપવાના નામે તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં ઉંચુ વળતર આપવા જેવી સ્કીમો મુકીને ઠગાઇ કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે.
આવા બનાવોને કારણે લોકો ઠગોથી એલર્ટ થઇ જતાં ઠગ ટોળકી દ્વારા ઠગાઇ કરવાની તરકીબ બદલવામાં આવતી હોય છે.જેમાં અનેક લોકોને મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના લોગો સાથેના મેસેજો મોકલી લાઇટ બિલ ભરાયું નહિ હોવાથી કનેક્શન કટ થઇ જશે તેમ કહીને ઠગવામાં આવ્યા હોવાના અનેક કિસ્સા બન્યા હતા.
સોશ્યલ મીડિયા પર આવા કિસ્સાથી ચેતવા માટે જાગૃતિ અભિયાન ચલાવાતાં ઠગોએ હવે વડોદરા ગેસ લિ.ના લોગો સાથે મેસેજો મોકલી તમારા ગેસ બિલની રકમ રાત સુધીમાં નહિં ભરાય તો મધરાતે ૧૨ વાગે કનેક્શન કટ થઇ જશે તેવા મેસેજ મોકલવા માંડયા છે.ઠગો મેસેજમાં મોબાઇલ નંબર તેમજ લિન્ક પણ મોકલે છે.ત્યારબાદ તેઓ વોટ્સએપ પર લિન્ક ક્લિક કરાવી બિલની રકમ ભરાવાના નામે બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હોય છે.વડોદરા સાયબર સેલના પીઆઇ બીરેન પટેલે આવા કિસ્સાઓથી સાવધ રહેવા લોકોને અપીલ કરી છે.
ઠગો ની પોલ ખૂલી જતાં છંછેડાયા, કોર્પોરેટરને ગોળી મારવાની ધમકી..ડોક્ટર પણ ઓળખી
ગયા અને કહ્યું,તું ક્લિનિક પર આવ તો ગેસ બિલની રકમ સાથે ફ્રી માં દવા પણ આપી દંઉ
ગેસ બિલ બાકી છે તેમ કહી ઠગાઇ કરવા જતાં ઠગોથી લોકો એલર્ટ થતાં છંછેડાઇને ગાળો ભાંડીને ગોળી મારવાની ધમકી આપી હોવાના કિસ્સા બન્યા છે.
કોર્પોરેટર જહા ભરવાડને ગેસ બિલ બાકી છે તેમ કહી ફોન અને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો.જેથી તેમણે મારું બિલ ભરાઇ ગયું છે,તારે બિલના પૈસા જોઇતા હોય તો મારે ઘેર આવ તો કેશ આપું...તેમ કહેતાં ઠગે ગાળો ભાંડી ગોળી મારવાની ધમકી આપી હતી.
આવી જ રીતે ડો.કમલદત્ત વૈધને ગેસ બિલનો મેસેજ આવતાં તેમણે બિલ તો ભરી દીધું છે તેમ કહ્યું હતું.પરંતુ ઠગે દલીલો કરી રાતે ૯.૩૦ વાગે કનેક્શન કટ થઇ જશે તેમ કહેતાં તેઓ ઠગને ઓળખી ગયા હતા અને તું ક્લિનિક પર આવી જા તો તને બિલની રકમની સાથે સાથે ફ્રીમાં દવા પણ આપી દંઉ તેમ કહેતાં ઠગ છેડાઇ ગયો હતો અને બીભત્સ ઉચ્ચારણો કર્યા હતા.