વડોદરા હોડી દુર્ઘટના મામલે શાળાની ગંભીર બેદરકારી આવી સામે, પ્રવાસ માટે નહોતી લેવાઈ મંજુરી
Vadodara Boat Accident : વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૧૨ બાળકો, એક શિક્ષિકા અને એક સુપરવાઈઝરના મોત થયા છે.આ કરુણાંતિકાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે, સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ડીઈઓ કચેરીની પરવાનગી લેવામાં આવી નહોતી.
મળતી વિગતો પ્રમાણે સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ ૬ના કુલ મળીને ૮૨ વિદ્યાર્થીઓને લેકઝોન ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.જેમાં કેટલાક તો સાવા નાના બાળકો હતા.તેમની સાથે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત ૧૦ લોકોનો સ્ટાફ પણ હતો.
ડીઈઓ કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડનેન્ટના જણાવ્યા અનુસાર સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી નહોતી. જ્યારે નિયમ પ્રમાણે કોઈપણ સ્કૂલે ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે અને બીજા પણ નિયમોનુ પાલન કરવનુ હોય છે. ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતુ કે, સ્કૂલ સંચાલકો સામે જે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે.
દરમિયાન આ હોનારત સર્જાયા બાદ ડીઈઓ કચેરીની એક સ્કૂલ રાત્રે સ્કૂલ ખાતે પહોંચી હતી અને ત્યાં તેમણે વિદ્યાર્થીઓના રેકોર્ડ ચેક કરવાનુ શરુ કર્યુ હતુ. ડીઈઓ કચેરીના અધિકારીઓએ કહ્યું હતું કે, પિકનિક ગયેલા દરેક બાળકના ઘરે જઈને તેમનુ બાળક પહોંચ્યુ કે નહીં તેની ખાતરી કરવામાં આવી રહી છે.બીજી તરફ સ્કૂલ સંચાલકોએ કહ્યું હતું કે, જેટલા પણ બાળકો આ પ્રવાસમાં જોડાયા હતા તે તમામના વાલીઓને અમે મંજૂરી લીધી હતી. એમ પણ શહેરની સ્કૂલો પિકનિક કે પ્રવાસનુ આયોજન કરે તો ડીઈઓ કચેરીની પરવાનગી લેતી નથી હોતી.