ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો
વડોદરાઃ હરણીના લેક ઝોન ખાતેની બોટ હોનારતમાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના મોત થયા છે.આ મામલામાં હવે ડીઈઓ દ્વારા વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો છે.
ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે, ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસેથી અમે આ પ્રવાસની જાણકારી મંગાવી હતી.સ્કૂલે અમને પ્રવાસે ગયેલા બાળકોની સંખ્યા, શિક્ષકો અને બીજી જાણકારી પૂરી પાડી છે અને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે કે, સ્કૂલ દ્વારા પ્રવાસ માટે પરવાનગી લેવામાં આવી નહોતી.આ બદલ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો છે.૧૦ દિવસમાં જિલ્લા કલેકટર દ્વારા આ હોનારતનો અહેવાલ સરકારને સુપરત થવાનો છે ત્યારે સ્કૂલે પણ મહત્તમ એક સપ્તાહમાં આ નોટિસનો જવાબ આપી દેવાનો રહેશે.
તેમણે કહ્યુ હતુ કે, કચેરીની તપાસમાં સ્કૂલનો કોઈ વ્યક્તિ અથવા શાળા સંચાલકો જવાબદાર હશે તો તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.જો કોઈ વ્યક્તિ જવાબદાર હશે તો શિક્ષાત્મક પગલા ભરાશે અને સ્કૂલ સંચાલકો જવાબદાર હશે તો તેમની સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.હરણીના લેકઝોન ખાતેની હોનારત બાદ હવે સ્કૂલો દ્વારા પિકનિક કે પ્રવાસના આયોજન માટે સરકારની ગાઈડલાઈનનુ પાલન કરાય છે કે કેમ અને નિયમ પ્રમાણે ડીઈઓ કચેરીની મંજૂરી લેવામાં આવે છે કે કેમ તેવા સવાલો પણ ઉભા થયા છે ત્યારે સ્કૂલને નોટિસ આપ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી થશે તે જોવાનુ રહે છે.
કોંગ્રેસનો ડીઈઓ કચેરી પર હલ્લો
પ્રવાસ માટે કેટલી સ્કૂલોએ મંજૂરી લીધી તેની વિગતો જાહેર કરો
હરણી લેકઝોનની હોનારતમાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના મોતના પગલે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરી ખાતે હલ્લો બોલાવવામાં આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને બીજા નેતાઓએ આજે ડીઈઓ સમક્ષ કરેલી રજૂઆતમાં સ્કૂલો દ્વારા પ્રવાસ માટે લેવાતી પરવાનગીના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલે પ્રવાસ માટે પરવાનગી લીધી નથી ત્યારે કોંગ્રેસે ડીઈઓને સવાલો પૂછ્યા છે કે, કયા કાયદા હેઠળ સ્કૂલોએ પ્રવાસ માટે ડીઈઓ કચેરીની પરવાનગી લેવાની હોય છે? છેલ્લા પાંચ વર્ષમાં કેટલી શાળાએ પ્રવાસ માટે પરવાનગી લીધી છે તેની જાણકારી જાહેર કરવામાં આવે અને આ પાંચ વર્ષ દરમિયાન મંજૂરી લીધા વગર પ્રવાસે લઈ ગઈ હોય તેવી કોઈ સ્કૂલ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે પણ સાર્વજનિક કરવામાં આવે.
કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને કોઈ કાયદા કાનૂન લાગુ પડાતા નથી .એવો પણ કાયદો છે કે, શાળાઓ પ્રવેશ આપતી વખતે એડમિશન ફી ના લઈ શકે પણ મોટાભાગની ખાનગી સ્કૂલો પ્રવેશ વખતે એડમિશન ફી લઈ રહી છે અને તેની સામે ડીઈઓ કચેરી મૌન ધારણ કરીને બેઠી છે.