વડોદરા-વાઘોડિયા વચ્ચે રોડ માટે નવી ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ

સીજીબીએમના ઉપયોગથી ઓલ વેધર રોડ બનશે ઃ ખર્ચ ઓછો અને ભારે વાહનો પણ પસાર થઇ શકશે

Updated: May 28th, 2024


Google NewsGoogle News
વડોદરા-વાઘોડિયા વચ્ચે રોડ માટે નવી ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ 1 - image

વડોદરા, તા.28 વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવે પર પીપળીયાથી વાઘોડિયા વચ્ચેનો માર્ગ દર ચોમાસાની ઋતુમાં ધોવાઇ જાય છે. રોડ પર મોટા મોટા ખાડા પડી જાય અને પાણી ફરી વળવાથી દર વર્ષે આશરે અડધા કરોડનો ખર્ચ કરી માર્ગનું રિપેરીંગ કરવામાં આવે છે.  આવી સ્થિતિનું ફરીથી નિર્માણ ના થાય તે માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીઆરઆરઆઇ)ની મદદથી રાજ્યમાં પ્રથમ વખત વડોદરા-વાઘોડિયા વચ્ચેના આઠ કિ.મી. સ્ટેટ હાઇવે પર સીજીબીએમનો ઉપયોગ કરી રોડના નિર્માણનું કામ આજથી શરૃ કરવામાં આવ્યું છે.

વડોદરા વાઘોડિયા સ્ટેટ હાઇવે ૧૪૮ પર પ્રથમ વખત સિમેન્ટ ગ્રાઉટેડ બિટુમિન મિક્સ (સીજીબીએમ) ટેકનોલોજીથી ૪.૧૧ કિ.મી. ટ્રાયલ સેક્શનની કામગીરી માટે અગાઉથી જ મટિરિયલ પરિક્ષણ કરીને સીજીબીએમની ડિઝાઇન કરવામાં આવી હતી અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અધિકારીઓ દ્વારા આજથી કામ શરૃ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રોડની કામગીરી ડામર રોડ અને આરસીસીની ટ્રિટમેન્ટ દ્વારા કરાય છે. આ બંનેમાં ફાયદા અને ગેરફાયદા હોય છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સિનિયર વૈજ્ઞાાનિક ડો.મનોજકુમાર શુકલાએ જણાવ્યું હતું કે સીજીબીએમની કામગીરીથી આરસીસી મજબૂત બને તેમ છતાં ઓછા ખર્ચે રોડને ઝડપથી બનાવી શકાય છે. માત્ર બેથી ત્રણ દિવસ બાદ આ રોડ પરથી ટ્રાફિકને ચાલુ કરી શકાય છે એટલું જ નહી પરંતુ ક્યોરિંગ માટે પાણીની જરૃર પણ ઓછી રહે છે. આ રોડ ઓલ વેધર કક્ષાનો અને બારેમાસ સારી હાલતમાં ટકી રહે છે તેમજ ભારે વાહનોની અવરજવરથી રોડને નુકસાન થતું નથી.

જ્યારે રોડ એક્સપર્ટ કે.આર. થોરાટના જણાવ્યા મુજબ સીજીબીએમની કામગીરીથી ખર્ચ પણ ઓછો થશે અને રોડને વધુ મજબૂત બનાવીને વરસાદમાં પણ તે ટકી શકશે.  અગાઉ  સીઆરઆરઆઇની  ભલામણ મુજબ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે રૃા.૧૪ કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.




Google NewsGoogle News