વડોદરામાં દબાણનો નવો નુસ્ખો : પદ્માવતી શોપિંગ સેન્ટરના પાછળના ભાગે રાતોરાત બોરિંગ બનાવી દીધું
Vadodara News : વડોદરા શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરના પાછળના ભાગે રાત્રિના સમયે અચાનક કોઈએ બોરિંગ ઊભું કરી દેતા અનેક તર્કો સર્જાયા છે. એક તરફ અહીં લોકોને આવવા જવામાં દુકાનની બહારના લટકણીયાના કારણે લોકોને તકલીફ પડી રહી છે ત્યારે ઓચિંતો બોર બનાવી દેવા પાછળ કોણે રમત ખેલી દીધી? એવા સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ પાલિકાનું તંત્ર પણ પદ્માવતીની આસપાસના દબાણમાં માત્ર હપ્તાખોરીનું રાજકારણ રમતું હોવાથી પથારાવાળા અને લટકણીયા વાળાઓને મોકળું મેદાન મળી ગયું છે.
શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરની પાછળના ભાગે આવેલી મસ્જિદની નજીક આજે સવારે અચાનક બોરિંગ જોવા મળ્યું હતું. એક જ રાતમાં કોઈના દ્વારા આયોજન બદ્ધ રીતે રાત્રિના સમયે બોરિંગ ઊભું કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. પદ્માવતી શોપિંગ સેન્ટરના પાછળના ભાગે અગાઉ એક બોર્ડિંગ તો હતું. ત્યારે બીજી તરફ રાતોરાત બીજું બોરિંગ ઊભું કરવાની બાબત તંત્રના ધ્યાને લાવવામાં આવી છે કે કેમ ? એવા સવાલો ઊભા થયા છે. પચિંતુ બોરિંગ કોણે બનાવી દીધું ? તેવું અહીના વ્યવસાયકારો આજે સવાલ પૂછી રહ્યા છે. પદ્માવતી શોપિંગ સેન્ટરની આજુબાજુ લારી, ગલ્લા, પથ્થરાના દબાણ બારે માસ રહે છે. અહીં મસ્જિદ પાસે આવેલ કેટલીક દુકાનો પોતાના લટકણીયા બહાર સુધી એવી રીતે લટકાવે છે કે મસ્જિદની અંદર જવા ઈચ્છતા લોકો ફૂટપાથ પર ચાલી શકતા નથી. દુકાન કરતાં વધુ જગ્યા લટકણીયાથી રોકી લેવામાં આવે છે. પાલિકાની દબાણ શાખા પણ અહીં માત્ર હપ્તાખોરીનું રાજકારણ જ કરે છે. દર મહિને નિયત થયેલ હપ્તો ઉઘરાવવા માટે ચોક્કસ ઈસમને સોંપેલી જવાબદારીના ભાગરૂપે હપ્તાના રાજકારણને લીધે બધું જ ખુલ્લેઆમ ચાલે રાખે છે!? તો પદ્માવતીની બહાર આવેલ બસ સ્ટેન્ડને પણ ઢાંકીને આડેધડ લારીઓ લાગી ગઈ છે. જેથી બસ માટે રાહ જોતા મુસાફરોએ અડધા રસ્તા પર આવીને ઊભા રહેવું પડે છે. તો મસ્જિદ પાસે એક સમોસાવાળાએ મુખ્ય રસ્તા પર જ ગેસનો બોટલ મૂકીને પોતાની હાટડી ધમધમાવવા માંડી હોવાથી અહીં ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય એ બાબત પણ નકારી શકાય તેમ નથી.