શહેરી વિસ્તારમાં અરજી કર્યાના બે દિવસની અંદર વીજ જોડાણ અપાશે
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની સહિત રાજ્યની સરકારી વીજ કંપનીઓ દ્વારા હવે બે દિવસમાં નવુ વીજ જોડાણ આપવાના દાવા સાથે વિવિધ ઓનલાઈન સુવિધા શરુ કરવામાં આવી છે.
વીજ કંપનીના સત્તાધીશોના કહેવા પ્રમાણે વીજ કંપનીઓની પેરન્ટ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઈ વિદ્યુત સેવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે.જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલ નંબરથી લોગ ઈન થઈને વિવિધ અરજી કરી શકશે.
સાથે સાથે નવુ જોડાણ ઝડપથી મળે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની સહિતની દરેક વીજ વિતરણ કંપની ખાતે સેન્ટ્રલાઈઝડ પ્રોેસેસિંગ સેન્ટર શરુ કરાયુ છે.અરજદાર દ્વારા પોર્ટલ પર અરજી કર્યા બાદ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા તની ચકાસણી કરીને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે છે.જો કોઈ જાણકારી કે દસ્તાવેજ ખૂટતા હોય તો અરજદારને મોબાઈલ નંબર પર મેસેજ મોકલીને તેની જાણ કરવામાં આવે છે.સાથે સાથે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ પર પોતાની અરજી અંગેની માહિતી પણ જાણી શકે છે.
વીજ કંપનીનો દાવો છે કે, શહેરી વિસ્તારમાં જો વીજ માળખામાં કોઈ ફેરફાર ના કરવાનો હોય( એ-કેટેગરીમાં આવતા જોડાણ) અને ટેસ્ટ તેમજ રિપોર્ટ સહિતના તમામ દસ્તાવેજો અરજી સાથે એટેચ હોય તો અરજી કર્યાના બે દિવસમાં વીજ જોડાણ મળી જાય તેવી વયવસ્થા ગોઠવવામાં આવી છે.આવી અરજીઓનો પ્રોસેસ અરજી થયાના બે કલાકમાં પૂરો કરીને બીજા દિવસે વીજ જોડાણ પૂરુ પાડવામાં આવશે.
વધારે વીજ લોડ હોય તેવા ગ્રાહકો માટે એક હેલ્પ લાઈન નંબર( ૯૨૨૭૮૦૭૯૭૯)લોન્ચ કરવામાં આવ્યો છે.જેના પર અરજદાર કોલ કરીને જરુરી સર્વિસ મેળવવા માટે વાત કરી શકશે.