કોઠી કલેક્ટર કચેરીનું સરનામું બદલાઇ જશે જેપીરોડ પર પાંચ વર્ષે તૈયાર થયેલી કલેક્ટર કચેરીનું આજે લોકાર્પણ
કલેક્ટર કચેરી નવા સરનામે સોમવારે જ ધમધમતી થઇ જશે ઃ છેલ્લી ઘડીના નિર્ણયથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ભાગદોડ
વડોદરા, તા.2 વડોદરાની છેલ્લા એક દાયકા ઉપરાંતના સમયથી કોઠી કચેરીમાં ચાલતી કલેક્ટર કચેરીનું સરનામું આવતીકાલથી બદલાઇ જશે. કોઠી કચેરીના બદલે હવે કલેક્ટર કચેરી જૂનાપાદરારોડ ખાતે ખસેડાશે. આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ સાથે જ બીજા દિવસે સોમવારથી જ કલેક્ટર સહિતનો સ્ટાફ નવી કચેરીમાં બેસતો થઇ જશે.
ઉલ્લેખનીય છે કે આશરે રૃા.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત તા.૧૧ ફેબુ્રઆરી ૨૦૧૯માં તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ તૈયાર થયેલી આ નવી કલેક્ટર કચેરી આખરે તૈયાર થઇ જતાં લોકસભા ચૂંટણી પહેલાં જ તેનું લોકાર્પણ કરવાનું નક્કી કરી દેવાયું હતું. ચૂંટણીનો લાભ લેવા ઉતાવળમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણના કારણે અધિકારીઓ અને સ્ટાફમાં દોડાદોડ થઇ ગઇ છે.
અગાઉ એક જ બિલ્ડિંગ અને એક જ વિંગ ગણાતી કલેક્ટર કચેરીને છેલ્લી ઘડીએ બે વિંગમાં કરવાની ફરજ પડી હતી. આગળનો ભાગ અને પાછળનો એમ બે વિંગ બનાવી કચેરીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. પ્રથમ માળે કલેક્ટર તેમજ નિવાસી અધિક કલેક્ટરની કચેરી રહેશે આ ઉપરાંત અન્ય કચેરીઓ જે કોઠી કચેરીમાં કલેક્ટર કચેરી સાથે સંલગ્ન હતી તે તમામ કચેરીઓ પણ નવી કચેરીમાં શિફ્ટ કરી દેવામાં આવશે. છેલ્લા બે દિવસથી કોઠી કચેરીનો સામાન શિફ્ટ કરવા માટે કર્મચારીઓ કામે લાગી ગયા છે.
અગાઉ લોકસભા ચૂંટણી બાદ નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ થાય તેવી ગણતરી હતી પરંતુ ચૂંટણી પહેલાં જ હવે નવી કલેક્ટર કચેરી ધમધમતી થઇ જશે. આવતીકાલે મુખ્યમંત્રી નવી કલેક્ટર કચેરીની મુલાકાત લે તે પહેલાં ફર્નિચર ગોઠવવા સહિતની અંતિમ કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી હવે નવી કલેક્ટર કચેરીમાં યોજાશે
વડોદરા લોકસભા બેઠકની એપ્રિલ અથવા મે માસમાં યોજાનારી ચૂંટણી હવે નવી કલેક્ટર કચેરીમાં જ યોજાશે તે નિશ્ચિત થઇ ગયું છે. લોકસભા ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર હોય છે જેથી હવે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ફોર્મ ભરવા માટે કોઠી કચેરીના બદલે જૂનાપાદરારોડ ખાતેની નવી કચેરીમાં જવું પડશે.
પ્રવેશદ્વાર પાસે જ ટાઇલ્સો તૂટી ગઇ
જૂનાપાદરારોડ ખાતે નવી કલેક્ટર કચેરીના પ્રવેશદ્વારા પાસે જ નવી બેસાડેલી ટાઇલ્સો તૂટી જતાં છેલ્લા ઘડીએ તેને બદલવા માટે દોડાદોડ થઇ ગઇ હતી. કેટલીક ટાઇલ્સો આજે બપોરે બદલવામાં આવી તો હતી પરંતુ તે પણ તૂટેલી લગાવાઇ હતી. આ ઉપરાંત પ્રવેશદ્વારા પાસે જ કેટલીક ટાઇલ્સો તૂટી જતાં તે પણ સ્પષ્ટ દેખાતું હતું.
નાગરિકોએ આવેદનપત્ર આપવા હવે કોઠીના બદલે જેપીરોડ જવું પડશે
દાયકા જૂની કલેક્ટર કચેરી કોઠી ચાર રસ્તા પાસે હોવાથી છાસવારે આવેદનપત્ર આપવા માટે લોકો કોઠી કચેરી ખાતે પહોંચી જતા હતાં પરંતુ હવે આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવું હોય તો જૂનાપાદરારોડ ખાતે જવું પડશે. સૂત્રોએ કહ્યું હતું કે શહેરના મધ્ય વિસ્તારમાંથી કલેક્ટર કચેરી દૂર જતી રહેતાં કદાચ હવે આવેદનપત્રોની સંખ્યામાં પણ ઘટાડો થઇ જશે.