શિક્ષણ સમિતિની સ્કૂલોમાં મંજૂરી વગર જ ધો.૯ના નવા ૬ વર્ગો શરુ કરાયા
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં આ વર્ષથી ધો.૯ના ગુજરાતી માધ્યમના વધુ પાંચ અને હિન્દી માધ્યમનો એક એમ નવા ૬ વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે પણ હજી સુધી આ વર્ગોને સરકારને મંજૂરી નથી મળી તેવો આક્ષેપ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યે કર્યો છે.આ મુદ્દે તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી છે.
પૂર્વ સભ્યનુ કહેવુ છે કે, ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ પાસે આખા રાજ્યમાંથી દર વર્ષે નવા વર્ગો શરુ કરવા માટે ૧૫૦૦ જેટલી અરજીઓ આવતી હોય છે અને તેમાંથી બોર્ડ દ્વારા ૩૦૦ થી ૪૦૦ વર્ગોને મંજૂરી આપવામાં આવતી હોય છે .આ સંજોગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોએ બોર્ડની મંજૂરી મળી જશે તેવુ ધારીને નવા વર્ગો શરુ કરી દીધા છે તે યોગ્ય નથી.જો મંજૂરી ના મળી તો આ વર્ગોમાં પ્રવેશ લેનારા ૩૦૦ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ પર સવાલ ઉભા થઈ શકે છે.
બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોનુ કહેવુ છે કે, ગયા વર્ષે માધ્યમિક શિક્ષણ આપવા માટે ધો.૯ના ચાર વર્ગો શરુ કરાયા હતા.એ સ્કૂલમાં આ વર્ષે ધો.૧૦ના વર્ગો શરુ થઈ ગયા છે.જેની પરવાનગી પણ માંગવામાં આવી છે અને સાથે સાથે ધો.૯ના નવા ૬ વર્ગોની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રસ્તાવ મૂકાયો હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવશે એવી અપેક્ષા છે.