ઉપરા છાપરી છબરડા બાદ આર્ટસ ફેકલ્ટીમાં રાતોરાત નવી એડમિશન કમિટિ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા રાઉન્ડથી છબરડાઓ અને વિવાદોનો સિલસિલો શરુ થયો છે અને તેના પગલે ફેકલ્ટી સત્તાધીશોએ રાતોરાત નવી એડમિશન કમિટિ બનાવી હોવાની જાણકારી સામે આવી છે.
મળતી વિગતો પ્રમાણે દરેક ફેકલ્ટીએ એડમિશન પ્રક્રિયા માટે પોતાના અધ્યાપકોની કમિટિ બનાવી છે.જોકે આર્ટસ ફેકલ્ટીમાં પહેલા જ રાઉન્ડથી પ્રવેશ કાર્યવાહી વિવાદોમાં સપડાઈ હતી.ફેકલ્ટીએ જીકાસ પોર્ટલને મોકલેલા પ્રવેશ લિસ્ટમાં પણ છબરડા સર્જાયા હતા.જેના કારણે પહેલી પ્રવેશ યાદી રદ કરીને નવેસરથી યાદી જાહેર કરવી પડી હતી.ઉપરાંત ફેકલ્ટીએ જીકાસને બાયપાસ કરીને પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી પણ પાછળથી ફેકલ્ટી સત્તાધીશોએ ગુલાંટ મારીને પ્રવેશ આપવાનો ઈનકાર કરતા વિદ્યાર્થીઓના વિરોધનો સામનો કરવો પડયો હતો.બીજી પ્રવેશ યાદીમાં પણ સાયકોલોજી વિષયમાં ૭૦ની જગ્યાએ ૭૦૦ વિદ્યાર્થીઓને ઓફર લેટરો મોકલી દેવાતા ભારે ઉહાપોહ થયો હતો.
ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, એ પછી ફેકલ્ટી સત્તાધીશોએ તા.૨ જુલાઈના રોજ રાતારોત ૨૭ સભ્યોની નવી એડમિશન કમિટિ બનાવી છે અને હવે પછી પ્રવેશની કાર્યવાહી આ કમિટિની દેખરેખ હેઠળ થશે.
દરમિયાન બીજા રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને તા. ૪ થી ૬ જુલાઈ દરમિયાન ટકાવારી પ્રમાણે તબક્કાવાર ફેકલ્ટીમાં વિષયપસંદગ માટે બોલાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, આર્ટસ ફેકલ્ટીમાં આ વખતે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ ૫૦ ટકા બેઠકો હજી ખાલી પડી છે.આમ ફેકલ્ટીને વિદ્યાર્થીઓની સંખ્યાની રીતે આ વર્ષે મોટો ફટકો પડે તેવી સંભાવના છે.