Get The App

ચાર વર્ષમાં વડોદરામાં દવા બનાવવા માટે ૬૨ નવા પ્લાન્ટસને મંજૂરી

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
ચાર વર્ષમાં વડોદરામાં દવા બનાવવા માટે ૬૨ નવા પ્લાન્ટસને મંજૂરી 1 - image

વડોદરાઃ દેશમાં દવાઓનુ સૌથી વધારે ઉત્પાદન  ગુજરાતમાં થાય છે.ગુજરાતમાં દવાઓનુ ઉત્પાદન કરતા સૌથી વધારે યુનિટ છે અને તેમાં વડોદરાનો પણ મોટો ફાળો છે.અન્ય શહેરોના મુકાબલે વડોદરાનો વિકાસ ભલે ઓછો હોય પણ દવા ઉત્પાદકોને વડોદરા આકર્ષી રહ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં વડોદરા જિલ્લામાં દવા બનાવવાના નવા ૬૨  યુનિટને ગુજરાત રાજ્યના એફડીસીએ(ગુજરાત સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) મંજૂરી આપી છે.સમગ્ર ગુજરાતમાં છેલ્લા વર્ષમાં નવા ૬૨૭ યુનિટને લાઈસન્સ મળ્યા છે અને તેમાં વડોદરામાં ઉભા થનારા પ્લાન્ટસ ૬૨ છે.

એફડીસીએના કમિશનર એચ જી કોશિયાના કહેવા પ્રમાણે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ગુજરાતમાં એલોપેથિક દવાઓ બનાવવા માટેના નવા ૧૩૩ ડ્રગ પ્લાન્ટસ માટે લાઈસન્સ આપવામાં આવ્યા છે અને આ પૈકીના ૧૭ પ્લાન્ટસની સ્થાપના વડોદરામાં કરવાનો પ્રસ્તાવ છે.આ પહેલા કોરોનાના કપરા સમયગાળામાં પણ વડોદરામાં ૨૦૨૦-૨૧માં ૧૩, ૨૧-૨૨માં ૧૪ નવા પ્લાન્ટસને લાઈસન્સ અપાયા હતા.જ્યારે ૨૦૨૨-૨૩માં વધુ ૧૮ અને ૨૦૨૩-૧૪માં  દવા ઉત્પાદન માટે ૧૭ નવા પ્લાન્ટસને મંજૂરી આપવામાં આવી છે.

એક અંદાજ પ્રમાણે વડોદરામાં પહેલેથી જ ૧૩૦ જેટલા ડ્રગ મેન્યુફેકચરિંગ યુનિટ કાર્યરત છે.વડોદરાના દવા ઉદ્યોગો વિવિધ પ્રકારની દવાઓની અમેરિકા સહિતના અલગ અલગ દેશોમાં નિકાસ પણ કરે છે.દવા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે, દવાના ઉત્પાદન માટે નાનામાં નાનો પ્લાન્ટ ઉભો કરવા માટે પણ ૨૦ થી ૨૫ કરોડ રુપિયાના રોકાણની જરુર પડતી હોય છે.છેલ્લા ચાર વર્ષમાં વડોદરામાં જે નવા પ્લાન્ટસ મંજૂર થયા છે તેમની સંખ્યાને ગણતરીમાં લેવામાં આવે તો પણ છેલ્લા વર્ષમાં ફાર્માસ્યુટિકલ સેકટરમાં વડોદરામાં ૨૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે રોકાણ આવ્યુ છે અથવા આવશે તેવો અંદાજ છે.

દેશના દવા ઉત્પાદનમાં ગુજરાતના ઉદ્યોગોનું યોગદાન ૩૩ ટકા 

ગુજરાતનો દેશના દવા ઉદ્યોગમાં સૌથી મોટો ફાળો છે.દેશના કુલ દવા ઉત્પાદનમાં ગુજરાતનુ યોગદાન ૩૩ ટકા જેટલુ છે અને દેશમાંથી જે દવાઓ નિકાસ થાય છે તેમાં ૨૮ ટકા દવાઓ ગુજરાતમાં બનેલી હોય છે.એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં હાલના તબક્કે દવા બનાવતા નાના-મોટા ૫૦૦૦ જેટલા પ્લાન્ટસ કાર્યરત છે.જોકે ગુજરાતમાં ફાર્મા સેકટરના નવા પ્લાન્ટની સંખ્યાને જોવામાં આવે તો પાંચ વર્ષથઈ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જેમ કે ૨૦૧૯-૨૦માં ૨૨૪ નવા પ્લાન્ટસને લાઈસન્સ અપાયા હતા અને ૨૦૨૩-૨૪માં આ સંખ્યા ૧૩૩ રહી છે.તેની સામે એવી દલીલ પણ થઈ રહી છે કે, નવા પ્લાન્ટસ વધારે અત્યાધુનિક ઢબે બની રહ્યા છે  અને તેના કારણે પ્લાન્ટસની સંખ્યા ઘટી છે પણ તેની પાછળ થઈ રહેલુ રોકાણ વધ્યુ છે.

આઝાદી પહેલાથી વડોદરામાં દવાઓ બને છે 

વડોદરા દવાઓના ઉત્પાદનનુ હબ પહેલેથી જ છે.આઝાદી પહેલાથી વડોદરામાં દવાઓ બનાવવાના યુનિટ કાર્યરત છે.ઉપરાંત વડોદરામાં આ ઈન્ડસ્ટ્રી માટે જરુરી કામદારો પણ મળી રહે છે.વડોદરાનુ ભૌગોલિક સ્થાન પણ દવાઓની નિકાસ તેમજ દવા બનાવવા માટે જરુરી મટિરિયલની આયાત કરવા માટે અનુકૂળ છે.


Google NewsGoogle News