નડિયાદ પાસે અકસ્માતમાં ભોગ બનનાર નીલ ભોજાણી MBBSનો વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક પુત્ર
હરણી-વારસિયા રિંગરોડ પરની દયાલનગર સોસાયટીના રહીશો આઘાતમાં
વડોદરા, તા.17 નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં જેમાં વડોદરાની એક મહિલા સહિત બે વ્યક્તિનો સમાવેશ થાય છે.
અકસ્માતમાં વડોદરાના હરણી-વારસિયા રિંગરોડ પર આવેલી દયાલનગર સોસાયટીમાં રહેતા રેડીમેડ કપડાંના વેપારી મુકેશભાઇ ભોજાણીના એકના એક પુત્ર નીલે પણ જીવ ગુમાવ્યો છે. નીલે ગયા વર્ષે જ ભરૃચ ખાતે એમબીબીએસનો પ્રવેશ લીધો હતો અને તે ડોક્ટર બનવાનો હતો પરંતુ તેના માતા અને પિતાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે. પુત્રના મોતના સમાચાર જાણીને પરિવારજનો નડિયાદ દોડી ગયા છે.
દયાલનગર સોસાયટીમાં રહેતા લતાબેને કહ્યું હતું કે નીલ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતો. તેણે એમબીબીએસમાં પ્રવેશ મળતાં જ પરિવારના સભ્યો ખૂશ હતાં. તેના પિતાની વારસિયામાં કપડાંની દુકાન છે અને માતા ગૃહિણી છે. નીલનું અકસ્માતમાં મોત થયું છે તે વાતનો હજી સુધી વિશ્વાસ બેસતો નથી. અમારા પરિવારમાં લગ્ન હોવા છતાં અમે નીલના અકસ્માતના બનાવની જાણ થતાં જ દોડી આવ્યા છે.
જ્યારે અન્ય એક પાડોશી હર્ષિતાબેને કહ્યું હતું કે નીલ અને મારો પુત્ર સાથે જ ક્રિકેટ રમીને મોટા થયાં છે. નીલના મૃત્યુના સમાચાર મળ્યા બાદ હજી પણ વિશ્વાસ નથી બેસતો કે તે હવે હયાત નથી. નીલના મૃત્યુના સમાચાર મળતાં જ સમગ્ર પરિવારના સભ્યો આઘાતમાં ડૂબી ગયા છે.