વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગની નિષ્કાળજી: નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ અન્ય પરિવારને સોંપી દીધો
વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં મૃત્યુ પામેલા નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ લેવા પરિવારજનો પહોંચ્યા ત્યારે નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ અન્ય બીજા પરિવારને સોંપી દેવામાં આવ્યો હોવાની જાણ થતા પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના નિત્યાનંદ ગુપ્તા નામના વ્યક્તિને ગઈકાલે સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં તેઓનું અચાનક અવસાન થયું હતું જેથી ગોત્રીમાં લઈ ગયા બાદ તેઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અને એક દિવસ સગા સંબંધી બહારગામ થી આવે તેની રાહ જોવા માટે સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને તેની પાવતી પણ તેમના પરિવારજનોને આપવામાં આવી હતી.
આજે નિત્યાનંદ ગુપ્તાના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા પોસ્ટ મોર્ટમ વિભાગના અધિકારીએ નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ નથી અને અન્ય કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવ્યો હોવાની જાણકારી આપતા પરિવારજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નિત્યાનંદ ગુપ્તાના પરિવારજનોએ જાણકારી મેળવતા મકરપુરા પોલીસ તરફથી એક મૃતદેહ આવ્યો હતો તેના પરિવારજનો ગઈકાલે મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેઓને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોએ પણ કોઈપણ જાતની તપાસ કર્યા વિના તેમના પરિવારના સભ્યનો મૃતદેહ સમજીને નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને સાથે લઈ જઈ અગ્નિસંસ્કાર કરી દીધા હતા.
નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ ગયો હતો જેથી પરિવારજનોએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી આક્ષેપો કર્યા હતા અને પોસ્ટમોર્ટમ વિભાગના અધિકારીઓની નિષ્કાળજી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.
સયાજી હોસ્પિટલમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મકરપુરા પોલીસ સ્ટેશનમાંથી જે મૃતદેહ પોસ્ટમોટમ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો તે પરિમલભાઈ ભટ્ટ નામના વ્યક્તિનો હતો અને તેઓના મૃતદેહને બદલે પરિમલ ભટ્ટના પરિવારજનોને નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હોવાની જાણકારી મળતા પોસ્ટમોટમ વિભાગની બેદરકારી બહાર આવી છે.