ગોધરામાં નીટની પરીક્ષાના કૌભાંડમાં વધુ એક ઝડપાયો કૈાભાંડી પરશુરામ માટે વિદ્યાર્થીઓે શોધી લાવતા વિભોર આનંદની ધરપકડ
વડોદરાના મકરપુરાનો રહીશ વિભોર આનંદ બિહારમાં તેની સાસરીમાં છુપાયો હતો ઃ પૂછપરછમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા
ગોધરા તા.૧૯ પંચમહાલ જિલ્લામા નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રમાં પોલીસે વધુ એક શખ્સને બિહારના દરભંગામાંથી દબોચી લીધો છે, હાલ વડોદરાના રહેવાસી વિભોર આનંદ નામના ભેજાબાજને અન્ય ત્રણ શખ્સોની પૂછપરછમા મળેલ વિગતોના આધારે અટકમાં લીધેલ છે.
નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રમાં મૂળ બિહારના અને વડોદરામાં રહી કન્સલ્ટિંગનું કામ કરતા વિભોર ઉમેશ્વરપ્રસાદસિંગ આનંદનું તપાસ દરમિયાન નામ ખૂલ્યું હતું. વિભોર આનંદને ઝડપી પાડવા તેના વડોદરાના મકરપુરા વિસ્તારમાં માણેજા ક્રોસિંગ પાસે શીવાવી લક્ઝરી ખાતે રહેતાં મકાનમાં તેમજ તેના બિહારના લખીશરાય તાલુકાના કાળીયાનાડનગરમાં જૂનાબજાર ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.
દરમિયાન વિભોર આનંદ તેની સાસરી દરભંગા બિહારમાં હોવાની માહિતીના આધારે પોલીસની એક ટીમે વોચ ગોઠવી વિભોર આનંદને ઝડપી પાડયો હતો. વિભોર આનંદ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં હાલના મુખ્ય ભેજાબાજ પરશુરામ રોયને વિદ્યાર્થીઓ શોધી લાવી આપવાનું કામ કરતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં હજી વધુ વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.