ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી પ્રકરણમાં ચાર ભેજાબાજોને ચાર દિવસના સીબીઆઇના રિમાન્ડ પર સોંપાયા

તુષાર ભટ્ટ, આનંદ વિભોર, પુરુષોત્તમ શર્મા અને આરીફ વ્હોરા ઉપરાંત અન્યની પણ સંડોવણીની આશંકા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી પ્રકરણમાં  ચાર ભેજાબાજોને ચાર દિવસના સીબીઆઇના રિમાન્ડ પર સોંપાયા 1 - image

ગોધરા તા.૨૯ પંચમહાલ જિલ્લાના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના ચકચારભર્યા પ્રકરણની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી સીબીઆઇ પાસે આવ્યા બાદ સીબીઆઇ દ્વારા ઝડપાયેલા આરોપીઓની કસ્ટડી મેળવવા માટે જિલ્લાના ડિસ્ટ્રિકટ જજ સમક્ષ રિમાન્ડ મેળવવાની અરજી કરી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોલીસે પકડેલા ચારેય આરોપીઓને ચાર દિવસના સીબીઆઇના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કરાયો હતો.

ગોધરા નજીક પરવડી પાસેની જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષા કેન્દ્રમાં મેડિકલ પ્રવેશ માટેની પરીક્ષા દરમિયાન ચોરી કરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડના પડઘા રાજ્ય સહિત સમગ્ર દેશમાં પડયા હતા. પંચમહાલ પોલીસ દ્વારા તપાસ ટીમ બનાવીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ બાદ તમામને જેલમાં ધકેલી દેવાયા હતાં. નીટની પરીક્ષામાં ચોરીના દેશવ્યાપી કૌભાંડને પગલે રાજ્ય સરકાર દ્વારા નીટની પરીક્ષામાં ચોરી પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

સીબીઆઇ દ્વારા છેલ્લા ૬ દિવસથી ગોધરા શહેરમાં ધામા નાંખી પંચમહાલ પોલીસને સાથે રાખીને કેસની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. પંચમહાલ પોલીસે પકડેલા અને હાલમાં જેલમાં આરોપીઓ તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, આનંદ વિભોર અને આરીફ વોરાના ચાર દિવસના રિમાન્ડની માંગણી સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી.

રિમાન્ડ માટેની અરજીની આજે ફરીથી  ડિસ્ટ્રિકટ જજ સી.કે. ચૌહાણની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે ચારેય ભેજાબાજોને ચાર દિવસના સીબીઆઇ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. તા.૨ જુલાઇ સુધી હવે ઉપરોક્ત ચારેય આરોપીઓનો કબજો સીબીઆઇ પાસે રહેશે. 

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યાર સુધીની તપાસમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાનું લાગી રહ્યું છે જેથી આરોપીઓની કસ્ટડી જરૃરી છે જેથી તેમની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવી શકશે.




Google NewsGoogle News