Get The App

ગોધરાની નીટ પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની આખરે ધરપકડ

પંચમહાલ પોલીસની બે માસની તપાસમાં નામ ના ખૂલ્યું પરંતુ સીબીઆઇએ છ દિવસની તપાસમાં જ સંડોવણી ખોલી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ગોધરાની નીટ પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં  જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની આખરે ધરપકડ 1 - image

ગોધરા તા.૩૦ ગોધરાના ચકચારી નીટ પરીક્ષા ચોરી પ્રકરણમાં સીબીઆઇની ટીમે શનિવારની મોડીરાત્રે પરીક્ષા ચોરી ષડયંત્રના એપીસેન્ટર એવી જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી હતી.  પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોવાની આશંકાએ સીબીઆઇની ટીમે તેઓની અટકાયત કરી હતી.

અટકાયત બાદ દીક્ષિત પટેલને ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે આજે બપોરે તેઓને ગોધરા કોર્ટમાં સીબીઆઇ દ્વારા રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઇના રિમાન્ડની માંગણી સામે ગોધરા કોર્ટ દ્વારા દીક્ષિત પટેલને અમદાવાદની સીબીઆઇ કોર્ટમાં રજૂ કરી સીબીઆઈ કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. 

પંચમહાલ જિલ્લાની કોર્ટમાં સીબીઆઇના કેસોનું કાર્યક્ષેત્ર ન હોવાના કારણે ગોધરા કોર્ટ દ્વારા રિમાન્ડ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.જેથી સીબીઆઇ અધિકારીઓ રિમાન્ડ મેળવવા આરોપીને લઈને અમદાવાદ સીબીઆઇ કોર્ટ જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે નીટ પ્રકરણની પંચમહાલ પોલીસ છેલ્લા બે મહિનાથી તપાસ કરતી હતી પરંતુ પંચમહાલ પોલીસની તપાસમાં દીક્ષિત પટેલનું આરોપી તરીકે નામ નહોતું ખુલ્યું,જ્યારે સીબીઆઇની માત્ર છ દિવસની તપાસમાં દીક્ષિત પટેલનું આરોપી તરીકે નામ ખૂલતા પંચમહાલ પોલીસની તપાસ સામે સવાલ ઉભા થયા છે.




Google NewsGoogle News