નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના વાલીઓની ગોધરામાં સીબીઆઇ દ્વારા પૂછપરછ
જય જલારામ સ્કૂલમાં નીટની અગાઉ થયેલી પરીક્ષામાં ગેરરીતિની આશંકા ઃ અન્ય નામો ખૂલવાની શક્યતા
ગોધરા તા.૨ ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારભર્યા કૌભાંડની સીબીઆઇ તપાસમાં નવી વિગતો બહાર આવી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં અગાઉના વર્ષોમાં લેવામાં આવેલી નીટની પરીક્ષામાં પણ ગેરરીતિ થઇ હોવાની આશંકા સાથે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જય જલારામ સ્કૂલને નીટની પરીક્ષાનું કેન્દ્ર ક્યારથી ફાળવવામાં આવ્યું તેમજ ક્યાં ક્યાં વિદ્યાર્થીઓએ આ કેન્દ્રમાં પરીક્ષા આપી તેની વિગતો સીબીઆઇ દ્વારા મેળવવામાં આવી રહી છે. હાલમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને સીબીઆઇએ ચાર દિવસના રિમાન્ડ પર લીધા બાદ તેમની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. આજે રિમાન્ડના બીજા દિવસે અનેક વિગતો સીબીઆઇને મળી હોવાનું મનાય છે. નીટકાંડના છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની પૂછપરછ કરતાં અન્ય નામો પણ ખૂલ્યા હોવાની શક્યતા છે.
ગોધરામાં નીટની પરીક્ષા આપવા માટે આવેલા અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને નોટિસ આપી સીબીઆઇએ બોલાવ્યા બાદ ગોધરા સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સીબીઆઇ સ્કૂલના ચેરમેનની સાથે સાથે અન્ય આરોપીઓ તુષાર ભટ્ટ, આનંદ વિભોર, પુરુષોત્તમ શર્મા અનએ આરીફ વ્હોરાની પણ ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે.
વર્ષ-૨૦૨૪ની નીટની પરીક્ષા ગોધરાના કેન્દ્ર જય જલારામ સ્કૂલમાં યોજાઇ ત્યારે ચોરીનું નેટવર્ક ઝડપાયા બાદ જય જલારામ સ્કૂલની બીજી શાખા થર્મલ ખાતેના સેન્ટરમાં પણ યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી છે કે નહી તે અંગે પણ સીબીઆઇ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.