નીટ પરીક્ષા કૌભાંડમાં CBIની પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ

જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ સામે કોર્ટમાં હજી ચાર્જશીટ બાકી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
નીટ પરીક્ષા કૌભાંડમાં CBIની પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ 1 - image

ગોધરા તા.૭ ગોધરાના ચકચારભર્યા નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલા પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ ગોધરામાંથી ઝડપાયા બાદ સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવતાં ગોધરાની જય જલારામ સ્કૂલના સેન્ટરમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવા અંગે ગુનો નોંધી તુષાર ભટ્ટ, પરસુરામ રોય, આરીફ વોરા, વિભોર આનંદ અને પરસોત્તમ શર્માનો કબજો લીધા બાદ જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઇ દ્વારા આ ચકચારભર્યા કેસમાં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં શુક્રવારે પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જો કે જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ સામે ચાર્જશીટ રજૂ થઇ નથી. કોર્ટ દ્વારા અલગ અલગ આરોપીઓને ૩૫૦૦થી ૮૦૦૦ પેજની ચાર્જશીટની નકલો ડિજિટલ સ્વરૃપે પેન ડ્રાઇવમાં અપાઇ હતી.

દરમિયાન નીટ પ્રકરણના કેસને વધુ મજબૂત બનાવવા ખૂટતી કડીઓ જોડવા માટે સીબીઆઇની ટીમે ગોધરામાં ધામા નાંખ્યા છે. સીબીઆઇની છ સભ્યોની ટીમ સર્કિટ હાઉસ પહોંચી હતી અને બાકી વાલીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




Google NewsGoogle News