વડોદરામાં ભરચક ટ્રાફિક જંકશનો છે ત્યાં ફલાય ઓવર બ્રિજ બનાવવાની પ્રથમ જરૂર છે
- સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી બ્રિજની જરૂર નથી
- ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું કામ પૂરૂ કરવા નાણાંકીય જોગવાઈનું કોઈ આયોજન નથી
વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધી ફલાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસે જણાવ્યું છે કે આ સ્થળે બ્રિજની જરૂર જ નથી. વડોદરામાં બીજા ઘણા ભરચક ટ્રાફિક જંકશન છે, ત્યાં ફલાયઓવર બ્રીજ બનાવવાની તાકીદે જરૂર છે.
મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આ મુદ્દે કોંગ્રેસના નેતાએ એક પત્ર લખીને કહ્યું છે કે વડોદરામાં વુડા સર્કલ- કારેલીબાગ, છાણી જકાતનાકા -નર્મદા કેનાલ નજીક, ભૂતડી ઝાપા વગેરે સ્થળે ટ્રાફિક ગીચ રહે છે, અને અહીં બ્રિજ બનાવવાની જરૂર છે. તેમણે પત્રમાં ઉમેર્યું છે કે સરકાર દ્વારા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટમાંથી વડોદરામાં છ ફલાયઓવર બનાવવા માંગે છે, પરંતુ આ છ સ્થળ કઈ રીતે પસંદ કરાયા છે? શું આ માટે કોઇ વૈજ્ઞાનિક સર્વે કર્યો છે ખરો ? વડોદરામાં પહેલા ફલાયઓવરના સ્થળ રાજકીય રીતે નક્કી થાય છે અને બાદમાં સ્થળની પસંદગી વાજબી ઠેરવવા સીઆરઆરઆઈ (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) ને સર્વેની કામગીરી સોંપવામાંઆવે છે. સરદાર એસ્ટેટ વૃંદાવન ચાર રસ્તા સુધીના બ્રિજ માટે કોઈ લોકોનો અભિપ્રાય લેવાયો નથી.
હાલના ઇજનેરને પણ આ સ્થળ પસંદગી કઇ રીતે થઇ તેની જાણકારી નથી. વડોદરામાં હાલ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલુ છે. સપ્ટેમ્બર-2022 સુધીમાં કામ પૂરૂ કરવું હોય તો તે માટે રૂપિયા 130 કરોડની વ્યવસ્થા કરવી પડશે. આ માટે નાણાકીય જોગવાઈનું કોઈ આયોજન નથી. વડોદરામાં નવા ફ્લાયઓવર બનાવતા પૂર્વે અને કરોડોનો ખર્ચ કરતાં અગાઉ શહેરમાં ટ્રાન્સપોર્ટેશનનો વિસ્તૃત અભ્યાસ કરાવી ને જ્યાં જરૂર છે ત્યાં પ્રથમ બ્રિજની કામગીરી કરવી જોઈએ.