છાણી કેનાલ પાસે નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત
યાકુતપુરામાં પાંચમા માળેથી રમતો બાળક નીચે પટકાયો
વડોદરા,છાણી કેનાલ પાસે નવી બંધાતી સાઇટ પર મજૂરી કામ કરતા વૃદ્ધ શ્રમજીવીનું પડી જવાથી મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષના પરસોત્તમભાઇ મણીલાલ પરમાર આજે બપોરે છાણી કેનાલ પાસે ઉનડદિપ તરફ જતા આર્ય ઇલેવન સાઇટ પર છ ફૂટ ઉંચાઇએથી નીચે પડતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ઝાલોદ તાલુકાના લીમડી ગામ હોળી ફળિયામાં રહેતા મુકેશભાઇ ભૂરિયાનો પાંચ વર્ષનો દીકરો કિશન આજે સવારે યાકુતપુરાના એક ફ્લેટમાં રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા માથા તથા ડાબા હાથે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે અર્ધ બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.